ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણમાં રોજ નવા નાવા રાજકારણીય ભૂકંપ આવી રહ્યા છે. ઘણા દિવસથી ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની કંઈ પાર્ટીમાં જશે તેની ચર્ચા ચાલી રહી હતી. પાટીદારોના વર્ચસ્વને કારણે ભાજપા, આપ અને કોંગ્રેસ ત્રણેય તેમને લઈને ખેંચતાણ કરી રહ્યા હતા. પરંતુ હવે લાગે છે કે તેમનુ કોંગ્રેસમાં જોડાવવુ લગભગ પાક્કુ થઈ ગયુ છે.
કોંગ્રેસના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અને દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરનો આગ્રહ હતો કે ગુજરાતમાં જનતા સમક્ષ એક ભરોસાપાત્ર ચહેરો રજૂ કરવો જરૂરી છે. જેના પર મોટાપાયે ધ્રુવીકરણ થઈને મતો કોંગ્રેસના પક્ષમાં વી શકે. જેના માટે એક ચહેરાની શોધમાં હતી અને આ ચહેરો નરેશ પટેલ જ લાગતો હતો અને હવે તેને આઇડેન્ટીફાઈ કર્યો છે. આ અંગે રાજસ્થાનમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક પણ મળી હતી.
સૌરાષ્ટ્રના પ્રખ્યાત અને લેઉવા પાટીદારોના શ્રદ્ધા કેન્દ્ર એવા ખોડલધામના વડા અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ તેમની રાજકીય ઇનિંગ શરૂ કરવા માટે હાલ એક સર્વે કરાવી રહ્યા છે. આ સર્વે બાદ તેઓ 15 એપ્રિલ સુધીમાં રાજકારણમાં જવું કે નહીં તે અંગે નિર્ણય જાહેર કરશે એ સંકેતો વધુ સ્પષ્ટ થયા છે. જેના પરથી કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
રાહુલ ગાંધીએ આપી હતી મંજુરી
આ ઉપરાંત દેશમાં પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ તરીકે જાણીતા બનેલા અને અનેક રાજયોમાં વિપક્ષને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રશાંત કિશોર પણ હવે કોંગ્રેસ સાથે જવા તૈયાર થયા છે. તેઓ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના સારથી બનશે. દિલ્હીના અનેક મીડીયા સર્કલમાં આ અંગે જબરી ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલ-પ્રશાંત કિશોર બન્ને ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને વિજેતા બનાવવા માટે પ્રયાસ કરશે અને ટૂંક સમયમાં આ જાહેરાત થાય તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આ ફોર્મ્યુલાને મંજૂરી પણ આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે રાજકારણમાં આવવાની જાહેરાત કરી ત્યારથી જ ગોપાલ ઇટાલિયા તેમને આપમાં અને હાર્દિક પટેલ તેમને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ આખરે નરેશ પટેલ હાર્દિકનો "હાથ" મજબુત કરવા માટે આવી પહોંચ્યા છે. તેઓ ચૈત્રી નવરાત્રી દરમિયાન અધિકારીક રીતે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાશે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી તો હાજર રહેશે આ ઉપરાંત પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતાઓ પણ સેવવામાં આવી રહી છે.
સુત્રો અનુસાર નરેશ પટેલની સાથે સાથે પ્રશાંત કિશોર પણ અધિકારીક રીતે કોંગ્રેસમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન જોડાઇ શકે છે. તેઓને રાષ્ટ્રીય કોંગ્રેસના કેમ્પેઇન કમિટીના કર્તાધર્તા બનાવવામાં આવી શકે છે. જેથી રાષ્ટ્રીય સ્તરના તમામ કેમ્પેઇન પ્રશાંત કિશોર સંભાળશે. એટલે કે ગુજરાત ખાતે કોંગ્રેસનાં ચાણક્ય નરેશ પટેલ અને રાષ્ટ્રીય સ્તરે પ્રશાંત કિશોર રહેશે.