અમદાવાદમાં સંપત્તિમાં ભાગ લેવા મુદ્દે મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં બે મકાનમાં ભાગ લેવા માટે નણંદ અને નણદોઈ વારંવાર ઝગડો કરતાં હતાં. જેથી પરીણિતાને લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પરીણિતાએ બે નણંદ તથા નણદોઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી રશ્મી નામની મહિલાના પતિ હાર્દિકને તેમની માતાએ બે મકાન આપ્યાં હતાં. જેમાંથી એક મકાનમાં રશ્મી તેના પતિ હાર્દિક સાથે રહે છે અને બીજુ મકાન ભાડે આપેલું છે. જેનું ભાડું પણ હાર્દિક મેળવે છે. રશ્મીને બે નણંદ છે. આ બંને નણંદોને રશ્મીની સાસુએ એક મકાન વેચીને 15-15 લાખ રૂપિયા આપ્યા હતાં. પરંતુ છેલ્લા 6 મહિનાથી બંને નણંદ તેમના ભાઈ પાસે રહેલા બંને મકાનમાં પણ ભાગ માંગતી હતી. 3 દિવસ પહેલાં બંને નણંદો રશ્મીના ઘરે આવી અને મકાન બાબતે તકરાર કરી હતી. તેમણે રશ્મીને લાફો માર્યો હતો અને ત્યાંથી રવાના થઈ ગઈ હતી. ત્યાર બાદ એક નણંદે મકાનમાં ભાગ લેવા માટે મેસેજ કર્યો હતો. નણદોઈએ પણ ફોન કરીને કહ્યું હતું કે, મકાનમાં બંને બહેનોનો ભાગ છે તે તમારે આપવો પડશે. તમે જીવો કે મરો. નહીં આપો તો રોડ પર લાવી દઈશ. આ પ્રકારના દબાણમાં આવીને રશ્મીએ ઓલ આઉટની દોઢ બોટલ પી લીધી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રશ્મીએ નણંદ દિક્ષિતા, કલ્પના તથા નણદોઈ મુકુંદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.કૃષ્ણનગર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.