દાહોદમાં બુધવારે કોલેજની પરીક્ષા આપવા ગયેલી હિન્દુ યુવતીને ગાંગરડી ખાતે મટન શોપમાં કામ કરતો યુવક ભગાડી ગયો હતો. આમાં લવ જેહાદની આશંકાથી ઘટનાના વિરોધમાં ગરબાડા તાલુકો પણ જડબેસલાક બંધ રહ્યો હતો.
મુદ્દો આખા જિલ્લામાં ચર્ચાની એરણે હતો ત્યારે પોલીસ બીલકુલ શાંત થઇ પોતાનું હૃમન અને ટેક્નીકલ સોર્સના ઉપયોગથી આગળ વધતાં અંતે બંનેની ભાળ મળી હતી. યુવક અને યુવતીને દિલ્હીથી પકડી લાવ્યા બાદ પુછપરછ હાથ ઘરાઇ હતી. ત્યારે યુવતીએ યુવક સાથે પ્રેમ હોવાની વાત કહીને થોડા સમય પહેલાં તેની સાથે વાત કરતાં પકડાતાં પિતા-ભાઇએ ઠપકો આપ્યો હતો. જેથી તેમનાથી નારાજ થઇને તે યુવક સાથે ફરવા જતી રહી હોવાનું પોલીસને જણાવ્યુ હતું. જેમાં દાહોદથી બસ દ્વારા બંને વડોદરા ગયા અને ત્યાંથી સાંજની ટ્રેન પકડીને દિલ્હી પહોંચ્યા હતાં.
દિલ્હીના મેરોલી વિસ્તારમાં તેઓએ રાત્રી રોકાણ કર્યુ હતું. દિલ્હી ધસી ગયેલી દાહોદ પોલીસે વોચ ગોઠવતાં અંતે બંને કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ પાસેથી મળ્યા હતાં. બંનેને સમજાવીને પોલીસ જાપ્તામાં કાર દ્વારા દાહોદ લાવ્યા હતાં. મધ્ય રાત્રે છોકરીએ પરિવાર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેને પરિવારને સોંપાઇ હતી. દિકરી પરત મળતાં પરિવારને હાશ થઇ હતી.