Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

PM મોદી આગામી તા. ૧૮ જૂને ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો કરાવશે પ્રારંભ, જાણો શું છે આ યોજના ?

PM મોદી આગામી તા. ૧૮ જૂને ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો કરાવશે પ્રારંભ, જાણો શું છે આ યોજના ?
, બુધવાર, 15 જૂન 2022 (10:31 IST)
આગામી તા. ૧૮ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાતના વડોદરામાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાનના હસ્તે રૂ.૨૧,૦૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિભાગોના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. 
 
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યભરમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ (MMY)નો શુભારંભ કરાવશે. મહિલાઓની સગર્ભાવસ્થાથી માંડીને ૧,૦૦૦ દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં ‘પોષણ સુધા યોજના’નું પણ લોન્ચિંગ કરવામાં આવશે જે યોજના હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને આવરી લેવામાં આવશે. 
 
¤ શું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ?
માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલા બાળકના વિકાસને અવરોધે છે, જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમાં પરિણમે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ, એટલે કે કુલ ૧,૦૦૦ દિવસના સમયગાળાને ‘ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી’ કહેવામાં આવે છે, જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણ સ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ ૧,૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ તબક્કા દરમિયાન માતાના આહારમાં અન્ન અને પ્રોટીન, ફેટ તેમજ અન્ય સૂક્ષ્મ પોષકતત્વો ઉપલબ્ધ થાય તે ખૂબ અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ ૧,૦૦૦ દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ મંજૂર કરવામાં આવી છે. 
 
વર્ષ ૨૦૨૨-૨૩માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લિટર સીંગતેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ.૮૧૧ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે અને આગામી પાંચ વર્ષ માટે રૂ.૪,૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવશે. 
 
આ યોજનાથી માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો થશે. અપૂરતા મહિને જન્મ અથવા ઓછા વજનવાળા બાળકોના જન્મની સંખ્યામાં ઘટાડો થશે અને સંપૂર્ણ સ્વસ્થ બાળકોનો જન્મ થશે. આ સાથે જ માતા મૃત્યુદર અને બાળમૃત્યુદરમાં પણ ઘટાડો થશે. 
 
રાજ્યના આદિજાતિ તાલુકાઓમાં પોષણ સુધા યોજનાનું લોન્ચિંગ
સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખુબ જ મહત્વપૂર્ણ છે. માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે ‘પોષણ સુધા યોજના’ ગુજરાતના આદિજાતિ વિસ્તારના દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા મળી કુલ પાંચ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં અમલી બનાવાઈ હતી. હવે તેનું વિસ્તરણ કરીને રાજ્યના તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓના કુલ ૧૦૬ તાલુકાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવશે. 
 
આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના મોનીટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. ચાલુ વર્ષમાં આ યોજના માટે રૂ.૧૧૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળ દર મહિને અંદાજિત ૧.૩૬ લાખ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. 
 
રાજ્યની માતાઓ અને બાળકોના પોષણની સ્થિતિમાં સુધાર લાવવા માટે અને એક સુદૃઢ અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવનાઃ ભારતીય હવામાન વિભાગ