સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ગુજરાતમાંથી કોરોનાના કેસ વધે નહી એ માટે ગુજરાત સરકારે છેવટે શેરીઓના ગરબાઓને પણ મંજુરી નથી આપી. પરંતુ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે જે રીતે લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા તેને જોઈને લાગે છે કે નવરાત્રીના નવ દિવસ શુ થશે. લોકો ભક્તિમાં ખુદના સ્વાસ્થ્યને જોખમમાં મુકવાની ભૂલ કેવી રીતે કરી શકે. મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોને લઈ પાવાગઢ ખાતે તેમજ મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. મંદિર વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવેલા હોવા છતાં યાત્રિકોમાં ધસારો હોવાને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા.
કોરોના વાયરસની મહામારીમા રાજ્ય સરકારની ગાર્ડન મુજબ યાત્રાધામો તેમજ મંદિરોમાં ભક્તોને માતાજીના દર્શન કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જેમાં મંદિર ટ્રસ્ટ તેમજ યાત્રિકોએ પણ સરકારી ગાઇડલાઇન મુજબ નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. જેમાં રવિવારની રજાને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ પહેલા જ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
એક બાજુ સરકાર કોરોના કેસને ઘટાડવા માસ્ક વગર પહેરનારને દંડ કરી રહી છે પરંતુ મંદિરમાં શુ માસ્ક વગર દર્શન કરવાની છૂટ છે ? લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને મંદિર અનલોક કરવામાં આવ્યા છે પરંતુ જો ભક્તો પરિસ્થિતિને સમજે નહી અને બધુ ભગવાન ભરોસે છોડીને આ રીતે મંદિરોમાં નીકળી પડતા હોય તો ખરેખર સરકારે મંદિરોને પરત બંધ કરી દેવા જોઈએ.