અમદાવાદમા ઈસનપુરના વેપારીને ટેલિગ્રામ ઉપર મેક માય ટ્રિપના રેટિંગ ટાસ્ક પૂરા કરીને પૈસા કમાઈ આપવાની લાલચ આપીને રૂ.2.46 કરોડની છેતરપિંડી કરનારા 2 આરોપીની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી હતી. બંને આરોપી વિરુદ્ધ જુદા જુદા રાજ્યોમાં 20 ગુનામાં 10 કરોડથી પણ વધુની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે.
ઈસનપુરમાં રહેતા જયેશભાઈ વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ગત સપ્ટેમ્બરમાં એક ગઠિયાએ ફોન કરીને ટેલિગ્રામ ઉપર ઈન્વેસ્ટમેન્ટ કરવાનું તેમજ રેટિંગ આપીને પૈસા કમાવવાનું કહી એક લિંક મોકલી હતી. શરૂમાંં ટાસ્ક પૂરા કરતા તેમના ખાતામાં પૈસા આવ્યા હતા, ત્યારબાદ જુદા જુદા ચાર્જ, પ્રોસેસિંગ ફી, જીએસટીના બહાને જયેશભાઈ પાસેથી રૂ. 2.46 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.આ અંગે જયેશભાઈએ ફરિયાદ કરતા ડીસીપી અજીત રાજીયનના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.એમ.ચૌહાણે તપાસ કરી રુતુલકુમાર કાનાબાર (24) અને દિવેશ ખીમાણી(28)(સુરત)ની ધરપકડ કરી હતી. બંને વિરુદ્ધ બિહાર, રાજસ્થાન, તેલંગાણા, સહિતના રાજ્યોમાં આ પ્રકારના 20 ગુના નોંધાયા છે.