ગઈકાલે સાંજે ગુજરાત ના તટીય વિસ્તારોમાં તાકતે વાવાઝોડાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાનીથી માંડીને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવા માટે હનુમાનજીની પ્રસાદી રૂપે મોરારિબાપુ એ રુપીયા ૫૦ લાખની સહાય જાહેર કરી છે. લોકોને થયેલા નુકશાનની વિગતો મેળવી જરુરીયાતમંદ લોકો ને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરુપે આ સહાય પહોંચાડવામાં આવશે.
સરકાર કરશે સહાય
વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરાશે. જે જિલ્લાઓમાં વિશેષ નુકસાન થયું છે ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની કામગીરી હાથ ધરાશે. વાવાઝોડાથી ઉનાળુ પાકને ઓછું નુકસાન ગયું છે પરંતુ કેરી અને નાળિયેરી જેવા પાકોને સારું એવું નુકશાન ગયું છે. રાજ્ય સરકાર તમામ નુકસાનના સર્વેક્ષણની કામગીરી હાથ ધરશે અને ધારાધોરણ મુજબ આગળના નિર્ણયો લેવાશે