ગુજરાત સહિત દેશભરમાં આવનારા ચોમાસાની હાલ રાહ જોવાઈ રહી છે અને વર્ષ 2024માં ચોમાસામાં કેવો વરસાદ થશે તેનાં વિવિધ અનુમાનો અલગ-અલગ એજન્સીઓ કરી રહી છે.
ગત વર્ષે ચોમાસામાં લાંબાગાળાની સરેરાશ પ્રમાણે ઓછો વરસાદ થયો હતો. ગુજરાતમાં ચોમાસાના ચારમાંથી માત્ર બે મહિના જ સારો વરસાદ પડ્યો હતો. જૂન અને જુલાઈમાં સારા વરસાદ બાદ ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખૂબ ઓછો વરસાદ થયો હતો.
હવામાનના કેટલાક નિષ્ણાતોના કહેવા મુજબ ગત વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળી હતી અને તેના કારણે પાછળના મહિનાઓમાં વરસાદ ઓછો થયો હતો.
આ વર્ષે ફેબ્રુઆરી મહિના સુધી અલ નીનો તેની ચરમસીમા પર છે અને ઉનાળા સુધી તેની ભારે અસર રહે તેવી સંભાવના છે એટલે કે ઉનાળામાં આ વર્ષે આકરી ગરમી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
વર્ષ 2024ના આવનારા ચોમાસા પર અલ નીનોની અસર કેવી રહેશે તેના પર સૌની નજર છે. ભારતના ચોમાસા પર અલ નીનો અવળી અસર કરે છે અને તેના કારણે દેશમાં વરસાદ ઓછો પડે છે.
2024નું ચોમાસું કેવું રહેશે, વધારે વરસાદ થશે?
ભારતમાં હવામાન વિભાગ એપ્રીલ અને મે મહિનામાં ચોમાસાના ચાર મહિના દરમિયાન કેવો વરસાદ પડશે તેનું પૂર્વાનુમાન રજૂ કરે છે. ઉપરાંત ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ પણ એપ્રીલ મહિનામાં ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન કરે છે.
વિવિધ એજન્સીઓ અને હવામાન નિષ્ણાતો અનુસાર આવનાર વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડે તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે. જોકે, ચોમાસાનું વધારે સારું પૂર્વાનુમાન એપ્રીલ અને મે મહિનામાં જ મળી શકે.
જાન્યુઆરીમાં સ્કાયમેટે રજૂ કરેલા પ્રાથમિક અનુમાન મુજબ દેશમાં ચોમાસું સારું રહે તેવી શક્યતા છે. સ્કાયમેટના મૅનેજિંગ ડિરેક્ટર જતીન સિંહના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી સંભાવના છે એટલે કે ચોમાસામાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે.
તેમના કહેવા પ્રમાણે ગયા વર્ષના ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ જોવા મળ્યો હતો. 2024ના ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ ઓછો જોવા મળે તેવી સ્થિતિ હાલ જણાઈ રહી છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં કહ્યું, 'જો અલ નીનો તટસ્થ સ્થિતિમાં આવી જાય તો પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે.'
ભારતમાં કુલ વરસાદના 70 ટકા વરસાદ ચોમાસાના ચાર મહિનામાં પડે છે અને આ વરસાદ પર જ દેશભરમાં ખેતીનો આધાર રહેલો હોય છે. ચોમાસામાં થતો વરસાદ દેશમાં ખરીફ અને રવિ પાક બંને પર અસર કરે છે.
2023ના ચોમાસામાં ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો. સામાન્ય રીતે ચોમાસાના ચાર મહિના દરમિયાન 868.6 મિલિમિટર વરસાદ પડવો જોઈએ, જેની સામે 2023માં દેશભરમાં 820 મિલિમિટર વરસાદ પડ્યો હતો
આગામી ચોમાસા પર અલ નીનોની અસર દેખાશે?
પ્રશાંત મહાસાગરમાં સર્જાતી અલ નીનો અને લા નીનાની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળે છે. આ વર્ષે અલ નીનોની સ્થિતિ ચરમસીમા પર છે અને તેના કારણે દુનિયાભરના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં જ્યારે લા નીનાની સ્થિતિ આવે છે ત્યારે ભારત સહિત એશિયામાં ખૂબ સારો વરસાદ થાય છે અને અલ નીનોની સ્થિતિ પેદા થાય ત્યારે ઓછો વરસાદ પડે છે એટલે કે અલ નીનો ભારતના ચોમાસાને અસર કરે છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના ડિરેક્ટર જતીન સિંહના કહેવા પ્રમાણે આગામી ચોમાસું શરૂ થાય ત્યારે અલ નીનોની સ્થિતિ નબળી પડશે. ભારતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોને બદલે તટસ્થ સ્થિતિ બની જશે અને ત્યારબાદ લા નીનાની સ્થિતિ શરૂ થઈ જશે.
દુનિયાભરની હવામાન સંસ્થાઓ અલ નીનોની સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેમાંથી કેટલીક એજન્સીઓનું પૂર્વાનુમાન છે કે ભારતમાં ચોમાસાની શરૂઆત થશે એ સમયે અલ નીનો નબળું પડી જશે અને ઑગસ્ટ મહિનો આવતા સુધીમાં લા નીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.
અમેરિકાની હવામાન સંસ્થા National Oceanic & Atmospheric Administration (NOAA)ના જણાવ્યા પ્રમાણે 55 ટકા એવી શક્યતા છે કે જૂન અને ઑગસ્ટની વચ્ચે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો નબળું પડીને લા નીના બની જશે. યુરોપિયન યુનિયનની કૉપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસે પણ કહ્યું છે કે અલ નીનો નબળું પડી રહ્યું છે.
ભારતના ચોમાસા માટે આ સારા સમાચાર છે કે આવનારા ચોમાસાની શરૂઆત સુધીમાં અલ નીનોની સ્થિતિમાં ફેરફાર થશે. ઘણા હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગત વર્ષ કરતાં ભારતમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ સારો રહે તેવી ધારણા છે.
જોકે, હાલ આગામી ચોમાસાની સચોટ આગાહી કરવી મુશ્કેલ હોય છે અને સતત હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે આગામી દિવસોમાં સ્થિતિ બદલી પણ શકે છે.
ગુજરાતમાં ચોમાસાની સ્થિતિમાં શું ફેરફાર થઈ શકે?
ગુજરાતમાં 2023ના ચોમાસામાં શરૂઆતના બે મહિના જ સારો વરસાદ થયો હતો, છેલ્લા બે મહિનામાં ખૂબ ઓછો વરસાદ થયો હતો. જેમાં ઑગસ્ટ મહિનામાં તો સરેરાશ વરસાદમાં 90 ટકા ઉપર ઘટ જોવા મળી હતી. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે 2023ના ચોમાસા પર અને ત્યારબાદ ભારત પર અલ નીનોની અસર જોવા મળી છે.
જો આગામી ચોમાસામાં પ્રશાંત મહાસાગરમાં લા નીનો બને તો ભારતમાં તેના કારણે સારો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે ખરીફ અને રવિ પાકના ઉત્પાદનમાં પણ વધારો થશે.
સામાન્ય રીતે લા નીનાના સમયે મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સારો વરસાદ થતો હોય છે અને એશિયાના બીજા દેશોમાં પણ વરસાદમાં વધારો થતો હોય છે.
જોકે, લા નીના ચોમાસાને ફાયદો જ કરે છે એવું નથી કેમ કે તેના કારણે ઘણાં વર્ષોમાં ચોમાસાના છેલ્લા મહિનાઓમાં અને ત્યારબાદ પણ વરસાદ થયો છે. એટલે કે પાકની લણણી સમયે વરસાદ થાય છે અને તેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ થાય છે.
આ ઉપરાંત ભારે કે અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર અને જમીન ધોવાઈ જવાની ઘટનાઓ પણ બને છે. ઘણા કિસ્સાઓમાં જાનમાલનું પણ નુકસાન થાય છે.
હાલના પ્રાથમિક પૂર્વાનુમાન મુજબ લા નીનાની સ્થિતિ સર્જાય તો ભારત સાથે ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે.
અલ નીનો શું છે?
અમેરિકન જિયો સાયન્સ અનુસાર અલ નીનો અને લા નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં સમય-સમય થનારા ફેરફાર સાથે છે. જેની અસર આખી દુનિયાની મોસમ પર પડે છે.
સરળ રીતે સમજીએ તો અલ નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે અને લા નીનાને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.
અલ નીનો અને લા નીનાની આ ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે.
સમુદ્રના તાપમાન અને વાયુમંડલની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ નીનો કહે છે. આ ફેરફારને કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતા ઘણો વધારો થાય છે. 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે.
જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસર જોવા મળે છે. ખાસ કરીને ભારત, વિયેતનામ અને ઑસ્ટ્રેલિયામાં સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે. એટલે કે આ દેશોમાં ચોમાસાના વરસાદમાં ઘટાડો થાય છે અને ઘણા વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ પણ પેદા થઈ શકે છે.