વિશ્વ મહિલા દિને ગાંધીનગરમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં મહિલા સરપંચનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં ગુજરાતની નહીં જ પરંતુ સમગ્ર ભારતની મહિલા સરપંચ આવશે. જે માટે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાર હજાર મહિલા સરપંચને રહેવાની વ્યવસ્થા કરવા માટે કલેક્ટરને સૂચના આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મહિલા સરપંચ સંમેલન યોજવામાં આવનાર છે. જેમાં શ્રેષ્ઠ મહિલા સરપંચને સન્માનિત પણ કરવામાં આવશે. આઠમી માર્ચે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતની પાંચ હજાર સહિત સમગ્ર ભારતમાંથી કુલ ૧૧ હજાર જેટલી મહિલા સરપંચ હાજર રહેશે. આ મહિલા સરપંચને રહેવાની વ્યવસ્થા કરવી એ તંત્ર માટે પડકાર રૃપ બની છે. જેને લઇને ગાંધીનગર અને અમદાવાદમાં ચાર - ચાર હજાર મહિલા સરપંચોને રહેવાની વ્યવસ્થા કરવા માટે અધિકારીઓને દોડતાં કર્યાં છે. ગાંધીનગરમાં સરકારી ઉપરાંત સામાજિક , શૈક્ષણિક , ધાર્મિક સંસ્થાઓના મકાનોમાં આ મહિલા સરપંચોને રહેવા, જમવા ઉપરાંત દિનચર્યાની નિત્યક્રિયાઓ માટે વ્યવસ્થા કરવા માટેની કામગીરી શરૃ કરી દીધી છે. ઉચ્ચકક્ષાએથી મળેલાં આદેશના પગલે કલેક્ટર સહિત જિલ્લાના અધિકારીઓ દોડતાં થઇ ગયાં છે અને મહિલા સરપંચોને રહેવાની વ્યવસ્થા કરવા માટે સંસ્થાઓને કાકલુદી પણ કરી રહ્યાં છે. આટલી મોટી સંખ્યામાં મહિલાઓની રહેવાની વ્યવસ્થા કરવી એ પણ તંત્ર માટે પડકારજનક છે.