વિશ્વના શ્રેષ્ઠ અર્થતંત્ર તરીકે ભારત દેશને પ્રસ્થાપિત કરવાના મહાઅભિયાનમાં સૌ નાગરિકો સહયોગ આપે એમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. રાજભવન, ગાંધીનગર ખાતે ડો. રાજેશકુમાર આચાર્ય અને ગિરીશચંદ્ર તન્ના દ્વારા લખાયેલાં ‘Modi’s Economics’ પુસ્તકના અંગ્રેજી અને હિન્દી સંસ્કરણનું વિમોચન કરતાં રાજ્યપાલએ ઉમેર્યુ હતુ કે, સોળમી સદીમાં વિશ્વભરમાં ભારતનું અર્થતંત્ર એવું ધમધમતું હતું કે દેશ સોનાની ચિડીયા તરીકે ઓળખાતો હતો પરંતુ વિદેશી આક્રમણખોરોની લૂંટારુંવૃત્તિએ દેશને કંગાળ બનાવી દીધો. તેમણે જણાવ્યુ હતું કે, એ સમયે નાલંદા, તક્ષશિલા સહિત સત્તર હજાર જેટલાં ગુરુકુળોએ ભારતીય શિક્ષા પદ્ધતિને વિશ્વસ્તરની બનાવી હતી. દેશ-વિદેશના યુવાનો ભારતમાં વિદ્યાભ્યાસ માટે આવતા હતા જ્યારે સ્વતંત્રતા બાદ નિરક્ષરતા નાબૂદી જેવા અભિયાન દેશમાં ચલાવવા પડ્યા જે દેશની કમનસીબી છે.
રાજ્યપાલે ઉમેર્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર્મઠ નેતૃત્વમાં ઉદ્યોગ, કૃષિ અને સેવાક્ષેત્રો મળીને દેશનો ત્રિ-સ્તરીય સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. મેઇક ઇન ઇન્ડિયાથી લઇને પ્રાકૃતિક કૃષિ દ્નારા વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું જનઅભિયાન હોય કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન હોય દેશમાં વિકાસના નવા જ સીમા ચિહ્નો હાંસલ કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે જળ સંચય વિભાગ અલગ કરીને કેન્દ્ર સરકારે આ ક્ષેત્રને પૂરતું મહત્વ આપીને દૂરદર્શીતા દાખવી છે.
આ પ્રસંગે પુસ્તકના લેખક ડો. રાજેશકુમાર આચાર્યે જણાવ્યુ હતુ કે, વર્ષો પહેલાં ચાણક્યે રજૂ કરેલી અર્થનીતિએ વિશ્વને ભારતદેશના આર્થિકક્ષેત્રના જ્ઞાનથી પરિચય આપ્યો હતો. આજે ભારત દેશ પાંચ ટ્રિલિયન અમેરીકી ડોલરની અર્થ વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન સ્પષ્ટ જણાઇ આવે છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના મેઇક ઇન ઇન્ડિયાથી લઇને સ્વચ્છ ભારત અભિયાનોની ચર્ચા કરી દેશની આર્થિક પ્રગતિમાં થઇ રહેલાં પરિવર્તનોની છણાવટ કરી હતી. જ્યારે સહલેખક ગિરીશચંદ્ર તન્નાએ પુસ્તકમાં વણાયેલી દેશની આર્થિક પ્રગતિની તલસ્પર્શી સમીક્ષા રજૂ કરી હતી. આ પ્રસંગે જાણીતા શિક્ષાશાસ્ત્રી રમા મુન્દ્રાએ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરતા કેન્દ્ર સરકારના પ્રયાસો વિશે વાત કરી હતી. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.