ધારાસભ્યની સાથે યુવાનોને બચાવવા માટે તરવૈયાઓની ટીમ પણ કામે લાગી હતી
રાજુલામાં ચાર યુવાનો દરિયામાં ડૂબ્યા હોવાની ઘટના બની હતી જેમાંથી ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં તરવૈયા ટીમની સાથે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ યુવાનોને બચાવવા માટે દરિયામાં ડૂબકી લગાવી હતી. દરિયામાં તરવા માટે જાણકાર યુવાનો પણ ધારાસભ્ય હીરા સોલંકીની જેમ યુવાનોને શોધવા માટેની કામગીરીમાં જોડાયા હતા.
ચોથા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે
અમરેલીના ધારાસભ્ય દરિયા કિનારે પહોંચ્યા પછી તેમણે વિગતો મેળવી હતી કે યુવાનો ક્યાંથી ડૂબ્યા હતા અને કોણ હતા. આ અંગે અગાઉથી જ તેમની શોધખોળ માટે કામગીરી કરવામાં આવી રહી હતી. ધારાસભ્ય હીરા સોલંકી દરિયા કિનારે બાઈક પર બેસીને જ્યાં યુવક ડૂબ્યો હતો તે સ્થળની નજક પહોંચ્યા હતા. આ પછી તેઓ બચાવ કામગીરીની મદદે આવ્યા હતા. ડૂબેલા ચારમાંથી ત્રણ યુવાનોને બચાવી લેવામાં ટીમને સફળતા મળી છે જો કે, ચોથા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.
મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે પહોંચી ગયા
ધારાસભ્ય જ્યારે ગામના દરિયા કિનારે પહોંચ્યા ત્યારે તેમણે સ્થાનિકોને તાત્કાલિક બોટની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપી હતી. એક યુવકની શોધખોળ કરવા માટે મધદરિયે બોટ ઉતારવામાં આવી છે અને શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના અંગે જાણ થતાં પટવા ગામ સહિત આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે પહોંચી ગયા હતા.