વાવાઝોડાને પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડાની અસરને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડયો હતો, જેના લીધે કેરીના પાકને પણ નુકસાન થયું હતુ. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 6 ઇંચ જ્યારે વાપી અને વલસાડમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ તારાજી સર્જાઈ હતી. સુરત જિલ્લા કલેકટરે કહ્યું કે, દરિયાની સપાટી એક થી બે મીટર જેટલી ઉંચે જઈ શકે છે.
મંગળવારે પણ વાવાઝોડાની અસરને પગલે 5 ઈંચ સુધી વરસાદની શકયતા વ્યકત કરાઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન તાઉતેની સોમવાર મોડી સાંજથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી હતી. વાવાઝોડું મોડી સાંજે 8 કલાકે પોરબંદર-મહુવા વચ્ચે ઉનામાં ત્રાટક્યું હતું. વાવાઝોડા પૂર્વે શહેરમાંથી 1800થી વધુ અને કાંઠા વિસ્તારના 40 ગામોના 1372 લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થળે પહોંચાડી દેતા જાનહાનિ ટળી હતી. તોફાનના કારણે સુરત શહેરના ડુમસ, સુંવાલી, ડભારી ત્રણેય બીચ બંધ કરાયા હતા. સમુદ્ર કાંઠે 10 થી 12 ફૂટ મોજા ઉછળ્યા હતા. ડુમસ કાંઠે આવેલો આલિયા બેટ ખાલી કરાવાયો હતો. ઝીંગા તળાવના મજૂરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.સુરત જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા 1392 લોકોનું સ્થળાંતર કરાયું હતું. કલેકટર ડો. ધવલ પટેલે જણાવ્યું કે, દરિયામાં એકથી બે મીટર ઊંચા મોજા ઉઠવાની શક્યતાને પગલે મજુરા, ચોર્યાસી, અને ઓલપાડના 40 ગામોને એલર્ટ કરાયા છે.જિલ્લાની 109 હોસ્પિટલમાં વાવાઝોડાથી પાવર સપ્લાયમાં સમસ્યા થાય તો વીજળી અને ઓક્સિજનની વ્યવસ્થા કરાઇ છે. હજીરામાં આર્સેલર મિત્તલના કોવિડ સેન્ટરમાં ઓક્સિજન પરના 30 દર્દીને પાકા મકાનમાં શિફ્ટ કરાયા છે. જ્યારે 15 દર્દીઓને રજા આપી દેવાઇ હતી.