શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મુંબઈમાં પૂર્ણ થઈ ચૂકી છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજ્યમાં વર્તમાન રાજકીય સંકટને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા હતા.
એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 જેટલા ધારાસભ્યોએ બળવો કર્યા બાદ રાજ્ય સરકાર ખતરામાં આવી ગઈ છે.
દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકનાથ શિંદેના મતક્ષેત્ર થાણેમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને 30મી જૂન સુધી કોઈપણ પ્રકારની રાજકીય રેલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે પણ શહેરમાં સીઆરપીસીની કલમ 144 પણ લાગુ કરી છે, જેમાં પાંચ કે તેથી વધુ લોકોને એકઠા થવાની મનાઈ છે.
બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શિવસેનાના નેતા સંજય રાઉતે બેઠકમાં વિદ્રોહી ધારાસભ્યો સામે યોગ્ય કાર્યવાહી કરવાની સત્તા ઉદ્ધવ ઠાકરેને આપી હોવાનું જણાવ્યું હતું.
આ સિવાય બળવાખોરોને કઠોર સંદેશ આપતાં તેમણે કહ્યું કે, "મુખ્ય મંત્રીએ વિદ્રોહીઓને બાળાસાહેબના નહીં પોતાના પિતાના નામે મત માગવાનો પડકાર ફેંક્યો છે."
આ સિવાય શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને પાર્ટી વ્હીપ સુનિલ પ્રભુ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાંથી દૂર રહેવા બદલ અયોગ્યતાની નોટિસ આપવામાં આવી છે.
તેમને 27 જૂન સુધીમાં સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં ગેરહાજર રહેવાનાં કારણોને સમર્થન આપતા જરૂરી દસ્તાવેજો સાથે લેખિત જવાબ આપવા કહેવામાં આવ્યું છે.
એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોએ તેમના જૂથનું નામ 'શિવસેના બાળાસાહેબ' રાખ્યું છે.
ગુવાહાટીમાં એકનાથ શિંદે સાથે હાજર રહેલા ધારાસભ્ય ડૉ. બાલાજી કિનીકરે આ સમાચારની પુષ્ટિ કરી છે.
શિંદે જૂથના નામ બાદ શિવસેનાએ વાંધો વ્યક્ત કર્યો છે. નામની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.
ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું, "અમે બાળાસાહેબની વિચારધારાને વરેલા છીએ. અમે એક સ્વતંત્ર જૂથ બનાવ્યું છે. અમે કોઈની સાથે ભળીશું નહીં. જૂથનું સ્વતંત્ર અસ્તિત્વ રહેશે. કોઈએ પક્ષ છોડ્યો નથી."
એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના લગભગ 40 ધારાસભ્યોએ બળવો કર્યા બાદ રાજ્ય સરકાર ખતરામાં આવી ગઈ છે.
એકનાથ શિંદે કૅમ્પ દ્વારા રચાયેલા 'શિવસેના બાળાસાહેબ' નવા જૂથ પર ન્યૂઝ એજન્સી એએનઆઈ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણને ટાંકીને ટ્વીટ કર્યું હતું. જેમાં ચવ્હાણે કહ્યું કે જ્યાં સુધી તેને અધ્યક્ષ પાસેથી કાનૂની માન્યતા નહીં મળે ત્યાં સુધી આવાં જૂથોને અધિકૃત માનવામાં આવશે નહીં.
શિવસેનાની કાર્યકારિણીની બેઠક બાદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, "બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને બળવાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સત્તા અપાઈ છે. આ સિવાય બાળાસાહેબના નામનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરનાર પર કાયદાકીય કાર્યવાહી કરાશે. અને પડકાર ફેંકવામાં આવ્યો છે કે જનતા વચ્ચે જઈને અમારા પિતા બાળાસાહેબના નામે નહીં પરંતુ પોતાના પિતાના નામે મત માગી બતાવો."
તેમણે આ સિવાય પક્ષના તમામ લોકોને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ હોવાની વાત કરી હતી.