એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે સરકારે પરિપત્ર રદ કરવાની ખાતરી આપતાં મામલો વધુ ગૂંચવાયો છે. આ નિર્ણય બાદ ખુદ રાજ્ય સરકાર અનામતના પેચમાં બરોબર ફસાઇ છે.ઓબીસી,એસટી,એસસી વર્ગના રાજી રાખવામાં પાટીદાર સહિત અન્ય બિન અનામત વર્ગ સરકારથી નારાજ થયો છે. હવે બિન અનામત વર્ગના ઉમેદવારોેએ એવી ચિમકી ઉચ્ચારી છેેકે,જો પરિપત્રમાં સુધારો કરાશે તો રાજ્યવ્યાપી આંદોલન કરાશે. સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે. આ કારણોસર અનામત અને બિન અનામત વર્ગ સામસામે આવ્યાં છે. એટલું જ નહીં, ગુજરાતમાં વર્ગવિગ્રહની પરિસ્થિતીના એંધાણ સર્જાયા છે.
એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે છેલ્લા ૬૫ દિવસથી ગાંધીનગરમાં આંદોલન ધમધમી રહ્યુ છે. મહિલા ઉમેદવારો હાલમાં ય આ લડત લડી રહી છે. ભાજપના સાંસદો,મંત્રી અને ધારાસભ્યોની રજૂઆતને પગલે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ખાતરી આપીકે, તા.૧-૮-૧૮ના પરિપત્રમાં સુધારો કરાશે. આ જાહેરાતને પગલે હવે બિન અનામત વર્ગ રોષે ભરાયો છે.
ગાંધીનગરમાં પાટીદારો,બ્રહ્મ સમાજ અને કરણીસેના સહિતના અન્ય સમાજના પ્રતિનિધીઓએ ચિતન શિબીર યોજી એવી ચિમકી ઉચ્ચારવામાં આવી કે, સરકાર કોઇ એક સમાજના રાજકીય દબાણમાં આવીને નિર્ણય ન લે. અમારી સાથે ચર્ચા કર્યા પછી જ પરિપત્રમાં સુધારો કરે. જો પરિપત્રમાં સુધારો કરાશે તો રાજ્ય સરકાર પરિણામો ભોગવવા તૈયાર રહે.અનામતને કારણે એલઆરડીની ભરતીમાં હજુ સુધી જનરલ કેટેગરીના ઉમેદવારોને ઓર્ડર મળ્યાં નથી. બિન અનામત વર્ગ સરકારના આ નિર્ણય કોઇપણ ભોગે સ્વિકારશે નહીં.
બેઠક બાદ એલઆરડીની ભરતીના જનરલ કેટેગરીના ઉમેદવારોએ ગાંધીનગર કચેરી તરફ કૂચ કરી હતી પણ પોલીસે તેમને રોક્યા હતાં. માત્ર એક પ્રતિનીધીમંડળને જ કલેક્ટરને મળવા છૂટ અપાઇ હતી. મળતી માહિતી મુજબ,બિન અનામત વર્ગના ઉમેદવારોએ પણ સત્યાગ્રહ છાવણીએ આંદોલન કરવા તૈયારી કરી છે. આમ, સરકારના નિર્ણયને પગલે ગુજરાતમાં એક નવા વિવાદે જન્મ લીધો છે. અનામતની ગૂંચવણને કારણે રાજ્યમાં વર્ગવિગ્રહની પરિસ્થિતી આકાર પામી રહી છે.