ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં પાણીનું સંકટ ઘેરાઈ રહ્યું છે, ખેડૂતો માટે નર્મદાનું પાણી તો એક મહિના કરતાં વધુ સમયથી આપવાનું બંધ કરી દેવાયું છે અને ઉનાળું પાક નહિ કરવાની પણ સરકારે સલાહ આપી છે. આ સ્થિતિમાં શહેરી વિસ્તારો તેમજ ગામડાંમાં પીવાના પાણી માટે પોકાર થવા લાગ્યા છે ત્યારે રાજ્યના ૨૦૩ ડેમોમાં ૩૨.૩૨ ટકા જ પાણી બચ્યું છે.
એ પૈકી કચ્છના ૨૦ ડેમો સુકાભઠ્ઠ થવા આવ્યા છે, તેમાં માંડ ૧૫.૬૪ ટકા જ પાણી બચ્યું છે તો સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમોમાં ૨૦.૪૨ ટકા પાણી બચ્યું છે જ્યારે નર્મદા ડેમમાં ૩૧.૯૬ ટકા પાણીનો જથ્થો પડયો છે. એકંદરે નર્મદા સહિત ગુજરાતના તમામ ૨૦૪ ડેમોમાં અત્યારે ૩૨.૧૯ ટકા પાણી છે. નર્મદા અને જળસંપત્તિ તથા કલ્પસર વિભાગના લેટેસ્ટ આંકડા બહાર આવ્યા છે. આ લેટેસ્ટ આંકડા જોતાં રાજ્યમાં આગામી દિવસોમાં પાણીની તંગી વધુ વિકરાળ બને તેવું દેખાઈ રહ્યું છે. પીવાના પાણી મુદ્દે ગામડાંઓમાં સ્થિતિ બદતર બની રહી છે, લોકોને ચાર-પાંચ કિલોમીટર લાંબા થઈ પાણી મેળવવું પડી રહ્યું છે.
સરકારી આંકડા મુજબ મધ્યગુજરાતના ૧૭ ડેમોમાં પાણીની સ્થિતિ સારી છે, કારણ કે અહીં કુલ ૫૧.૭૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.સૌરાષ્ટ્રના ડેમોની સ્થિતિ પણ સારી નથી, ૨૦ દિવસ પહેલાં અહીંના ૧૩૮ ડેમોમાં ૨૩.૯૯ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો, જે અત્યારે ઘટીને ૨૦.૪૨ ટકા થવા પામ્યો છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૩૭.૨૦ ટકા પાણીનો જથ્થો હતો, જે અત્યારે ઘટીને ૩૧.૫૩ ટકા રહેવા પામ્યો છે.