Publish Date: Mon, 15 Jun 2026 (08:11 IST)
Updated Date: Mon, 15 Jun 2026 (08:35 IST)
ગુજરાતની આસપાસ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ 2 મુખ્ય સિસ્ટમ સક્રિય થઈ છે. જોકે, ચોમાસાનો પ્રવાહ હાલ થોડો નબળો પડ્યો છે. તેમ છતાં, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના જુદા-જુદા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ સૂકું હવામાન, 17 જૂનથી ફરી વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં આગામી 14, 15 અને 16 જૂન સુધી હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. જોકે, ત્યારબાદ વાતાવરણમાં પલટો આવશે અને 17, 18, 19 તથા 20 જૂન દરમિયાન અલગ-અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં વિધિવત પ્રવેશ કરે તેવી સંભાવના હોવાથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સતત બીજા દિવસે 41.4 ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી પડી રહી છે, પરંતુ તાપમાનમાં હવે મામૂલી ઘટાડો નોંધાયો છે. આજે સતત બીજા દિવસે 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ભાવનગર સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાયના બાકીના તમામ શહેરોમાં પારો 40 ડિગ્રીની નીચે પહોંચી જતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.
દેશભરમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ, અમદાવાદમાં પારો 41 ડિગ્રી આસપાસ રહેશે
હાલમાં દેશના ઘણા ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય છે, જેના કારણે રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને ચોમાસું છત્તીસગઢ બોર્ડર સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ તેની અસરો જોવા મળી રહી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ તરફની રહેશે. આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો