ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં પ્રાણ ફૂંકવાની કવાયત જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂતે મિડિયાને જણાવ્યું હતું કે,આગામી સમયમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના લોકચાહના ધરાવતા કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાતે આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં 19 મે, ગુરુવારના રોજ બપોરે 1 કલાકે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે. જે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રઘુ શર્મા સહિત આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના આગેવાનો ઉમટી પડશે. સૌરાષ્ટ્ર ઝોન બાદ અન્ય ત્રણ ઝોનમાં પણ બેઠક યોજાશે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2022ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. કેજરીવાલની ભવ્ય સભા બાદ હવે રાહુલ ગાંધીનું પણ મિશન સૌરાષ્ટ્ર છે. હાલ તમામ રાજકીય પક્ષોની નજર સૌરાષ્ટ્રની વિધાનસભા પર મંડાયલી છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદી પણ 29 તારીખે જસદણમાં આટકોટ આવી પહોંચશે, અને જંગી સભાને સંબોધશે.