અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતની સજાની આજે 10.45 વાગ્યે સિટી સિવિલ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આરોપીઓને વીડિયો-કોન્ફરન્સથી રજૂ કરવામાં આવ્યાં હતાં. આરોપી પક્ષ દ્વારા દોષિતોની મેડિકલ, શૈક્ષણિક લાયકાત અને ઘરની પરિસ્થિતિ અંગેની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી. આજે દોષિતોની સુનાવણી પૂર્ણ થઈ છે. કોર્ટે આરોપીઓનો પક્ષ સાંભળ્યો છે. હવે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
સાબરમતી જેલમાં 32 દોષિત આરોપીઓની વીડિયો કોન્ફરન્સથી સુનાવણી
અમદાવાદમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજા અંગેની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 77માંથી 51 આરોપીઓ બંધ છે. તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી હાજર રાખવામાં આવ્યા છે. બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી ચાલી રહી છે જેમાં હાલમાં સાબરમતી જેલની બહાર શાંત માહોલ જોવા મળી રહ્યો છે. જેલની બહાર આરોપીઓના પરિવારજનો જોવા મળ્યાં નથી. જેલમાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વીડિયો કોન્ફરન્સથી સુનાવણી ચાલી રહી છે. દોષિત આરોપીઓમાંથી 32 આરોપીઓ હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે.