ચીનના વુહાનમાં કોરોના વાયરસના લીધે ગુજરાતના વિદ્યાર્થી સહિત ભારતના 300 વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમને પરત લાવવામાં આવશે. આ વિદ્યાર્થીઓમાં એક વડોદરાની શ્રેયા જયમાનના વાલીએ પીએમઓ, કેન્દ્રીય ગૃહ મંત્રી, વિદેશ મંત્રી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા સ્થાનિક સાંસદ પાસે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે અપીલ કરી છે.
રાજ્યના વિદ્યાર્થીઓ વુહાનમાં ફસાયેલા હોવાની સ્થિતિ જોતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી યુવક સહિત ભારતના યુવા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સુરક્ષાની સાથે-સાથે વતન પરત લાવવા માટે જરૂરી વ્યવસ્થા માટે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી હતી.
વિજય રૂપાણીએ મૂળ ગુજરાતના વિદ્યાર્થી ચીનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતા પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઇને ચિંતા કરતાં હોવાથી મુખ્યમંત્રીએ તાત્કાલિક વિદેશ મંત્રી સાથે વાતચીત કરી પરત લાવવા માટે માંગ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સંબંધમાં ચિંતા વ્યક્ત કરતાં વિદેશ મંત્રાલયને જરૂરી મદદના નિર્દેશ કર્યા છે.
વડનગરના બે ભાઈ બહેન કોરોના વાઇરસના કહેર વચ્ચે ફસાયા છે. વડનગરના મીથીન અને બિરવા દોઢ વર્ષથી ચાઇના ખાતે મેડિકલ અભ્યાસ માટે રહે છે. જ્યાં અચાનક કોરોના વાઇરસનો ઉદ્ભવ થતા તેમને બહાર જવા આવવા પર હાલમાં પાબંધી લગાવાઇ છે. જોકે આ વિદ્યાર્થીઓ વાયરસની અસર થી પર રહ્યા છે તેમને હાલમાં કોઈ બીમારી થઈ નથી.
મહેસાણા પાલિકાના પ્રમુખની પુત્રી ચીનમાં ફસાઈ
મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકીની પુત્રી કિનલ ચીનમાં ફસાઈ છે. કિનલ સોલંકી હાલ વુહાન સિટી (Wuhan) થી 200 કિલોમીટર દૂર કોલેજમાં ફસાઈ છે. કિનલ સોલંકી MBBSના અભ્યાસ માટે ચીનમાં ગઇ હતી. ત્યારે ઘનશ્યામ સોલંકીએ એમ્બેસી સહિત કોલેજના ડીનને પત્ર લખી દીકરીને પરત લાવવા અપીલ કરી છે.
જ્યારે મહીસાગર જિલ્લાના ત્રણ એમબીબીએસ વિદ્યાર્થીઓ ચીનના હુબેઇનમાં ફસાયા છે. રિયા પટેલ, દિપાલી પટેલ અને વૃંદ પટેલ નામના વિદ્યાર્થીઓ ફસાતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ત્યારે જુનાગઢના 6 અને રાજકોટના 11 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે. જુનાગઢના 4 વિદ્યાર્થીઓ ગઈ કાલે પરત ગુજરાત આવ્યા હતા.