પંચમહાલમાં (PanchMahal) નવરાત્રિના છેલ્લા નોરતે બે અલગ-અલગ અકસ્માતમાં 4 યુવાનો મોતને ભેટ્યા છે. નવરાત્રિના છેલ્લા દિવસે શહેરાના પ્રખ્યાત ચાંદગઢના ગરબા જોવા જતી વખતે આ યુવાનોને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ત્રણ ઇસમોના કમકમાટીભર્યા મોત
નિપજ્યા છે. જ્યારે નાકૂડી પાસે ટ્રકની અડફેટે બાઇક સવારનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ ગમખ્વાર અકસ્માતને જોવા માટે ઉભી રાખેલી ઇન્ડીકા કારમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી, કારમાં 7 ઇસમો સવાર હતા જોકે કોઇ જાનિ થઇ ન હતી. આ અકસ્માતમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલનાં શહેરા તાલુકાના ચાંદણગઢ પાસે બે બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બીજી બાજુ કોળિયા શહેરાના નાકૂડી પાસે ટ્રકની અડફેડે બાઇક સવારનું મોત નીપજ્યું છે.
આ અકસ્માતમાં યુવાનોના મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. અકસ્માત સર્જાતા સ્થાનિકોએ 108 અને પોલીસને જાણ કરતાં તેઓ ત્યાં આવી જઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોનાં મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ પણ વડોદરાના મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રને નોકરી માટે જવાનું હોવાથી ઓમપ્રકાશભાઇ કાર લઇને સુશેન સર્કલ સુધી મુકવા માટે ગયા હતા. ત્યાંથી ઘરે પરત ફરતી વખતે અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.