આંતરિક વિખવાદ અને જુથવાદના લીધે ગુજરાતમાં કોંગ્રેસની હાલત ગત ચાર વર્ષમાં ખૂબ ખરાબ થઇ ગઇ છે. ગત ચાર વર્ષોમાં કોંગ્રેસને ઘણી જિલ્લા પંચાયત અને નગપાલિકાઓમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. વર્ષ 2015માં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો પરચમ લહેરાયો હતો. 31 જિલ્લા પંચાયતો અને 230 તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે મોટાભાગના જિલ્લા અને તાલુકા પંચાયત પોતાના કબજામાં કરી હતી. 31 જિલ્લા પંચાયતમાંથી 27 પર કોંગ્રેસે કબજો કર્યો હતો. પરંતુ ગત ચાર વર્ષોથી અત્યાર સુધીની વાત કરીએ તો કોંગ્રેસે 10 જિલ્લા પંચાયતને પોતાના હાથમાંથી ગુમાવી દીધી છે, જેમાં અમદાવાદ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ખેડા, મહિસાગર, પાટણ, ડાંગ, દ્વારકાનો સમાવેશ થાય છે.
હવે સ્થિતિ એવી છે કે કોંગ્રેસ રાજકોટ, વડોદર અને સાબરકાંઠા જિલ્લા પંચાત પણ કોંગ્રેસના હાથમાં નિકળવાની તૈયારીમાં છે, કારણ કે અહીં પરિસ્થિતિઓ સંપૂર્ણપણે પાર્ટીની વિરૂદ્ધ જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રમુખ વિરૂદ્ધ કોંગ્રેસના સભ્ય અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી ચૂક્યા છે, પરંતુ પોતાની આંતરિક પરિસ્થિતિને સુધારવાના બદલે કોંગ્રેસ તેનું ઠીકરું ભાજપના માથે ફોડતી જોવા મળી રહી છે.
જિલ્લા પંચાયત ઉપરાંત ગત ત્રણથી ચાર વર્ષમાં કોંગ્રેસે પોતાની લગભગ 42 તાલુકા પંચાયતો ગુમાવી દીધી છે અને આંતરિક ગુટબાજી અને કંકાશના લીધે કોંગ્રેસની આ સ્થિતિ સામે આવી છે. જો તાલુકા પંચાયતોની વાત કરવામાં આવે તો કોંગ્રેસ માટે ગુજરાતમાં સૌથી મોટું નુકસાન થયું છે. આ નુકસાન માટે કોંગ્રેસ કહી રહી છે કે સત્તાપક્ષ ડરાવી-ધમકાવીને અમારા સભ્યો તોડી રહી છે.
વર્ષ 2015-16માં 83 નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસે 29 નગરપાલિકાઓ પર પોતાની સત્તા પ્રાપ્ત કરી હતી, પરંતુ કોંગ્રેસે 16 નગરપાલિકાઓ ગુમાવી દીધી. તો બીજી તરફ વિધાનસભા સીટોની વાત કરીએ તો ચૂંટણી પછી અત્યાર સુધી કોંગ્રેસ સાત ધારાસભ્યો ગુમાવી ચૂકી છે. હવે 6 વિધાનસભાની સીટો માટે પેટાચૂંટણી યોજાઇ રહી છે જ્યાં કોંગ્રેસ નબળી જોવા મળી રહી છે. આર્ટિકલ 370 દૂર કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસે હથિયાર મુકી દીધા છે. વિપક્ષ ના તો કોઇ સ્થાનિક મુદ્દાને યોગ્ય ઉઠાવી શકે છે અને ના તો લોકોને વિશ્વાસ અપાવી શકે છે.