પાકીસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારના આવેલા એક ફોનથી આવેલા સમાચારના પગલે ગીર સોમનાથનું કોટડા ગામ હિબકે ચડી શોકમાં ગરકાવ થઈ ગયુ હતુ. ફોનમાં આવેલા સમાચાર મુજબ કોટડા ગામના પાક જેલમાં બંદીવાન એક માછીમારનું મૃત્યુ નીપજ્યું હોવાનું તથા એક માછીમાર ત્યાંની હોસ્પિટલમાં ઓક્સિજન ઉપર જીવન અને મરણ વચ્ચે જેલ ભોગવી રહ્યો છે. આ સમાચારથી કોટડા ગામના તમામ રહેવાસીઓ ચિંતિત બની ગયેલ હતા. કેમ કે, એક માત્ર કોટડા ગામના જ 44 જેટલા માછીમારો સહિત ગીર સોમનાથ જિલ્લાના 431 માછીમારો પાકીસ્તાન જેલમાં ઘણા સમયથી બંધ છે.
હજુ થોડા સમય પૂર્વે જ પાકીસ્તાનની જેલમાં મૃત્યુ પામેલ ગીર સોમનાથના ઉના તાલુકાના એક માછીમારનો મૃતદેહ માદરે વતન આવ્યો હતો. જેના શોકમાંથી હજુ માછીમાર સમાજ ઉભરીને બહાર આવી શક્યો નથી. એવા સમયે પાકીસ્તાનની જેલમાં વધુ એક માછીમારનું મૃત્યુ અને એક માછીમાર ગંભીર રીતે બિમાર હોવાનું સામે આવતા માછીમાર સમાજમાં શોક સાથે ચિંતાની લાગણી પ્રસરી છે. આ અંગે જેમને પાકીસ્તાનની જેલમાંથી ફોન આવેલ તે કોટડા ગામના વાલુબેનએ જણાવેલ કે, પાકીસ્તાન જેલમાં પાંચેક વર્ષથી મારા બંન્ને દિકરા બંદીવાન છે. બે દિવસ પહેલા મારા નાના દિકરાનો ફોન આવેલ કે આપણા ગામના જીતુ જીવાભાઈ બારીયાને એટેક આવી જતા તેમનું મૃત્યુ થયુ છે. જેની જાણ તેમના પરીવારજનોને કરી દેજો તેમજ આપણા જ ગામના રામજીભાઈ રાજાભાઈ ચાવડા બિમાર હોય તેઓ હોસ્પિટલમાં સારવારમાં છે.જ્યારે મૃતક માછીમારના સસરા પૂંજાભાઈ બાંભણીયાએ જણાવેલ કે, પાક જેલમાં મૃત્યુ પામેલ જીતુભાઈ મારા જમાઈ છે. જ્યારે ગંભીર રીતે બીમાર રામજીભાઈ મારો સગો ભાણેજ છે. આ સમાચારથી અમો ચિંતામાં છીએ અને ગુજરાતના વતની એવા દેશના પ્રધાનમંત્રી મોદી અમારા પરીવારજનનો મૃતદેહ વ્હેલી તકે ભારત લઈ આવી આપે અને ત્યાંની જેલોમાં બંદીવાન 600થી વધુ ભારતીય માછીમારોને સત્વરે મુકત કરાવી દે તેવી લાગણી છે.