ઉત્તરાયણના તહેવારમાં કોરોના વકરે નહિ તેના માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને સરકારે કોરોના વધુ ન ફેલાય તે માટે ઉત્તરાયણ તહેવારમાં ધ્યાન રાખીશું તેવી બાંહેધરી આપી હતી પરંતુ અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના તહેવારના આગલા દિવસે એટલે કે આજે રાયપુર અને જમાલપુર બજારમાં મોટી સંખ્યામાં લોકો પતંગ અને ફિરકી લેવા ઉમટી પડ્યા છે.
સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય જોવા મળતું નથી અનેક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. રાયપુર પતંગબજાર ભીડથી અત્યારે ઉમટી પડ્યું છે. જે રીતે દિવાળીના તહેવારમાં ભદ્રમાં ભીડ થઈ હતી તેવી અત્યારે રાયપુર બજારમાં ભીડ જોવા મળી રહી છે. ખાડિયા પોલીસ સ્ટેશનની બાજુમાં જ આખું બજાર આવેલું છે અને મોટી સંખ્યામાં અત્યારે લોકોના ટોળા ભેગા થયા છે.
ઉત્તરાયણના તહેવાર બાદ અમદાવાદમાં ફરી કોરોના વકરે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાયપુર ખાતે આવેલા પતંગ બજારમાં અત્યારે પતંગ લેવા હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. ક્યાંય બજારમાં કોઈ દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ કે ભીડ ન હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકોમાં કોરોના ભુલાઈ ગયો છે અને બેખોફ બની લોકો પતંગ લેવા માટે બજારમાં ઉમટી પડ્યા છે.