પાકિસ્તાની નેતાનો બફાટ અને ટ્વિટને લઈને સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા માટૅ ટ્રેનિંગ લીધેલાં કમાન્ડો ઘૂસ્યા હોવાના ઈનપુટ બહાર આવતા સુરક્ષા તંત્રે ઍલર્ટ જાહેર કર્યુ છે. જેના પગલે પોલીસે આસપાસના ઈન્સ્ટોલેશન્સની ચેકિંગ શરૂ કરી દીધું છે તો મરીન કમાન્ડોને પણ તૈનાત કરી દેવાયા છે. કંડલા પોર્ટ પ્રશાસને બધા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપી છે. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ને હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે.થોડા દિવસો અગાઉ અફઘાનિસ્તાનના શખસોને ટ્રેનિંગ આપીને આતંક ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દેશમાં ઘુસાડવાના પ્રયાસ કરાઈ રહ્યાનું બહાર આવ્યુ છે. તો સરહદી જિલ્લા કચ્છમાં ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ અને ઈનપુટના આધારે ઍલર્ટ જાહેર કરાયુ છે. તેમાંય દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં અંડર વોટર એટૅક થવાના ઈનપુટના આધારે હાઈ સિક્યોરીટી ઍલર્ટ જાહેર કરાયો છે. ઈન્ટેલીજન્સ ઈનપુટ અનુસાર પાકિસ્તાનના ટ્રેનિંગ પ્રાપ્ત કમાન્ડો ગલ્ફ ઓફ કચ્છમાં હરામી નાળા ક્રીકથી ઘૂસ્યા છે. જેમણે અંડર વોટર એટેક માટે ટ્રેનિંગ મેળવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોર્ટ દ્વારા આ અંગે તમામ શીપ એજન્ટ, સંગઠનો અને સંલગ્ન વ્યવસ્થાઓ ને સુચીત કરીને દરીયામાં કોઇ પણ અયોગ્ય હલન ચલન કે સંદિગ્ધ ગતિવિધી દેખાય તો તુરંત સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા તેમજ દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. આ અંગે પૂર્વ કચ્છમાં એસપીનો ચાર્જ સંભાળી રહેલા ડી.એસ. વાઘેલાએ જણાવ્યુ હતુ કે પોલીસ દ્વારા પોર્ટ આસપાસના તમામ સ્થળોની ચેકિંગ કરવામાં આવી રહિ છે. મરીન કમાન્ડોની એક ટુકડીને પણ તૈનાત કરી લેન્ડિંગ પોઈન્ટ્સ, અગત્યના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમજ મરીન પોલીસ સાથે દરીયામાં પણ પેટ્રોલિંગ કરાઈ રહિ છે. કંડલા મરીનના પીઆઈ વી.એફ. ઝાલાએ પોલીસની એક અને સીઆઈએસએફની બે બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. દરમ્યાન સીઆઇએસએફના આઈજી પણ કંડલાની મુલાકાતે આવી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. ટ્વીટર પર પાકિસ્તાનના વ્યક્તિ દ્વારા ‘પાકિસ્તાની નેવીએ ભારતનું 35% કાર્ગો વહન કરતા કંડલાને ટાર્ગેટ કરવું જોઇએ’ ની ટીપ્પણી કરી હતી.