બનાસકાંઠાના વડગામમાં પાણીની સમસ્યા મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષે આપેલા નિવેદન સામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વળતો પ્રહાર કરતા સી.આર પાટીલને દખલગીરી ન કરવા માટે સલાહ આપી છે. એટલું જ નહીં જીગ્નેશ મેવાણી એ એમ પણ કહ્યું કે, પાણી મુદ્દે મુખ્યમંત્રી, સંબંધિત વિભાગના મંત્રી કે અધિકારીએ જવાબ આપવાની જરૂર હતી. શા માટે સી.આર.પાટિલ દખલગીરી કરી રહ્યા છે.
મેવાણીએ મુખ્યમંત્રીને મળી પાણી મુદ્દે આવતીકાલે અંતિમ અલ્ટીમેટમ આપવાની જાહેરાત પણ કરી છે. જો આવતીકાલે રજૂઆત બાદ કોઇ નિરાકરણ ન આવે તો રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠા તથા તેમના મત વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મેવાણીએ કહ્યું કે, નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે આવનારા દિવસોમાં 80 કરોડો લોકોને પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થવાનો છે. ગુજરાત સરકારના રિપોર્ટ પ્રમાણે ઉત્તર ગુજરાતના 24 તાલુકામાં ભૂગર્ભ જળની ગંભીર સમસ્યા છે. વડગામના મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવમાં પાણી ભરવા માટે અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. વિધાન સભાના મંચ પરથી પણ તેમને આ મામલે રજૂઆત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા જિલ્લો કે જેનું નામ નદી સાથે જોડાયેલું છે, તેને પાણી બનાવી દીધું છે.સાથે પાણીના પ્રશ્નો મામલે ગઇકાલે સી.આર પાટીલે આપેલી પ્રતિક્રિયાને લઈને પણ જવાબ આપ્યો.
જીગ્નેશ મેવાણી એ કહ્યું કે, પાણીના પ્રશ્ન બાબતે સી.એમ, પાણી પુરવઠા મંત્રી કે સંબંધિત વિભાગના અધિકારીની જગ્યાએ સી.આર. પાટીલે જવાબ આપ્યો! પરંતુ હકીકતમાં જે તે વિભાગના પ્રશ્નો ઉપસ્થિત થાય તે વિભાગના અધિકારી કે મંત્રીએ જવાબ આપવાનો હોય, આમાં સી.આર. પાટીલે કોઈપણ પ્રકારની દખલગીરી કરવાની જરૂર નથી. પાંચ વર્ષ સુધી સતત રજૂઆતો કરી છે, સી.આર.પાટીલે રેકોર્ડની તપાસ કરાવ્યા બાદ આવું નિવેદન આપવું જોઇએ.સરકાર કહે છે કે તળાવમાં તપાસ કરવા માટે અધિકારીઓને મોકલ્યા છે, શા માટે ધૂળ અને ઢેફાને શોધવા માટે? રાજ્ય સરકારે સરવે કરેલો છે અને 110 કરોડનો પ્રોજેક્ટ તૈયાર છે, છતાં તેનો અમલ કેમ નથી થઈ રહ્યો? પાટણ જિલ્લાથી તેમના મત વિસ્તારના ગામમાં નર્મદા કેનાલનો પ્રોજેક્ટ કેમ નથી લંબાવવા આવી રહ્યો? જીગ્નેશ મેવાણીએ માંગ કરી છે કે પાણીના પ્રશ્ન બાબતે સત્ર બોલાવે, નોટિફિકેશ જારી કે અથવા તો ખાસ બજેટ જાહેર કરે.જીજ્ઞેશ મેવાણીએ વડગામમાં પાણીના પ્રશ્ન મામલે સીએમને અલ્ટિમેટમ પાઠવવાની વાત કરી હતી જેને લઇને સી. આર. પાટીલે જવાબ આપતાં કહ્યું હતું કે, જીજ્ઞેશ મેવાણીને પાણીના પ્રશ્ન મામલે બોલવાનો કોઈ અધિકાર નથી. ચૂંટણીના સમયે હવે જીગ્નેશ મેવાણીને પાણી યાદ આવ્યું છે. પાંચ વર્ષમાં જીજ્ઞેશ મેવાણી પ્રજાનો વિશ્વાસ ખોઇ બેઠા છે.