મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ચાર્જશીટ રજુ કરી દીધી છે. પરંતુ ધરપકડથી બચવા હવાતિયા મારનાર ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ આજે કોર્ટમાં હાજર થઈ ગયા છે. તેમણે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. મોરબી કોર્ટમાં થયેલી ચાર્જશીટમાં જયસુખ પટેલ પર મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર માટો આક્ષેપ કરાયો છે. જે મુજબ જયસુખ પટેલે પોતાના અંગત સ્વાર્થ માટે અધૂરા સમારકામે જ બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો. આ પાછળ આર્થિક લાભ ખાંટવાનો પણ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે.
પોલીસની ચાર્જશીટમાં આક્ષેપ કરાયો છે કે, મોરબીના ઝુલતા બ્રિજના સમારકામ માટે એક વર્ષની મુદત હતી, જોકે 6 મહિનામાં જ બ્રિજનું સમારકામ કરીને તેને પૂર્ણ કરી દેવામાં આવ્યું અને બેસતા વર્ષે જ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. બ્રિજના કેબલમાંથી એક કેબલ નબળો હતો છતાં સમારકામમાં બેદરકારી દાખવવામાં આવી જેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજના કેબલમાં 49માંથી 22 જેટલા તાર કાટ ખાઈ ગયા હતા, છતાં તેને રિપેર કરવામાં નહોતા આવ્યા. ટેકનિકલ મદદ લીધા વિના જ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું. તથા નજીકના ભવિષ્યમાં જયસુખ પટેલ ન પણ મળે તેવો ઉલ્લેખ પણ કરાયો છે.