કોંગ્રેસને અલવિદા કહીને શંકરસિંહ વાઘેલાએ ત્રીજા મોરચા તરીકે જનવિકલ્પ પક્ષની રચના કરી છે. ગુરૃવારે વાસણિયા મહાદવમાં દર્શન કરીને બાપુએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતાં. જોકે, ગણતરીના લોકો જ બાપુ સાથે જોડાતાં આખીય પ્રચારરેલીનો ફિયાસ્કો થયો હતો. સૂત્રોના મતે, નવરાત્રીના પ્રથમ નોરતેથી શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.
વહેલી સવારે વાસણિયા મહાદેવ થઇને મહુડી, ખેડબ્રહ્મા, અંબાજી,દાંતા,છાપી,ઉંઝા અને ઉનાવાથી પ્રચારરેલી ગાંધીનગર પરત ફરી હતી. બાપુએ બે દિવસ પહેલાં જ ત્રીજા મોરચો ગુજરાતમાં ઝાઝુ કાઠુ કાઢશે તેવો દાવો કર્યો હતો. ભાજપ-કોંગ્રેસની ભારોભાર ટીકા કરી હતી. એટલું જ નહીં, એવી શેખી મારી હતીકે, હું મત માટે કોઇને કરગરીશ નહીં.મતદારોમાં એવા ઘેરા પ્રત્યાઘાતો પડયાં કે,જનવિકલ્પની રેલીમાં અમુક ગણતરીના માણસો જોડાયાં હતાં. ખુદ લોકો જ એવુ કહી રહ્યાં કે, શંકરસિંહ વાઘેલા ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યાં છે. આ વખતે ભાજપ માટે ચૂંટણી જીતવી સહેલી નથી ત્યારે બાપુ ભાજપને મદદરૃપ થવા મતોમાં ભાગલા પડાવવા પ્રયાસ કરી રહ્યાં છે. એટલું જ નહીં, કોંગ્રેસના ગઢ સમાન બેઠકોમાં મુસ્લિમ,દલિત,ક્ષત્રિયોને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતારવા બાપુની ગણતરી છે જેથી કોંગ્રેસના મતોમાં ભાગલાં પડે અને તેનો સીધો ફાયદો ભાજપને થાય. બાપુની આ રાજકીય ગેમની જાણ થતાં જ લોકો જનવિકલ્પમાં જોડાવવાનુ તો ઠીક,શંકાની નજરે જોઇ રહ્યાં છે.જનવિકલ્પે યુવાઓને રૃા.૪૫૦૦ બેરોજગારી ભથ્થું,મહિલાઓને ઘરથાળના પ્લોટ અને યુવાઓને સ્માર્ટફોન આપવાની લાલચ આપી છે તેમ છતાંયે મતદારો બાપુના વચનથી ભોળવાયાં નથી. શામળાજીથી માંડીને ગુજરાતના હાઇવે પર લાગેલાં જનવિકલ્પ પક્ષના પોસ્ટરો લાગ્યાં છે. નોંધ લેવા જેવી વાત એછેકે, જે હોર્ડિંગ્સ પર ભાજપના પોસ્ટરો લાગ્યા હતાં તે હોર્ડિંગ્સ પર હવે બાપુના પોસ્ટરો લાગી રહ્યાં છે. આમ,જનવિકલ્પની પાછળ ભાજપની જ મૂખ્ય ભૂમિકા હોવાનો લોકોને અંદાજ આવી ગયો છે. પરિણામે બાપુની પ્રચારરેલીમાં પાંખી હાજરી જોવા મળી રહી છે.