સુરતના અઠવાલાઇન્સ ચોપાટી સામેના પાર્કિંગમાં શ્રમિક મહિલાઓએ ધમાલ કરતી મહિલાને જાહેરમાં દોડાવી દોડાવી ફટકારતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં, પણ ચોપાટી પાર્કિંગમાંથી શરૂ થયેલી બબાલ પોલીસ કમિશનર બંગલાની સામે 100 મીટર દૂર કલેકટર ઓફિસ બહાર સુધી પહોંચી હતી. એક મહિલાને જાહેરમાં માર ખાતા જોઈ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. જોકે PCR વાન આવી જતા બન્ને પક્ષકારોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.સ્થાનિકોએ મોબાઈલમાં માર મરાતા દ્રશ્યો કેદ કરી લીધા હતા.
સામાન ફેંકી દીધો
શ્રમિક મહિલાઓએ જણાવ્યું હતું કે,અમે મજૂર છીએ. પાર્કિંગમાં પરિવાર સાથે વસવાટ કરીએ છીએ. અમારા ઘર તોડી સામાન ફેંકી દેતા અમે વીફરેલી મહિલાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે એ ધમાલ બંધ કરવાને બદલે અમારા પર તૂટી પડી હતી.ઘટના બુધવારની મધરાત્રીની હતી. આ બાબતે એક જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલમાં જાણ પણ કરી હતી. જોકે પોલીસ આવે એ પહેલાં મહિલાની ધમાલ વધી ગઈ હતી. એટલે અમારે દંડા લઈ એને સબક શીખવવો પડ્યો હતો.
બાળકોને મારવા દોડેલી
વીફરેલી મહિલાએ અમારા ઘર તોડી નાખ્યાં, ઘર વખરીનો સમાન રોડ પર ફેંકી દીધો, પથ્થર વડે હુમલો કર્યો ત્યારબાદ અમારા બાળકોને મારવા દોડી ત્યારે અમે ભેગા થઈ પકડી દંડા વડે ફટકારી એની સાન ઠેકાણે લાવ્યા હતા. 20 મિનિટ બાદ PCR વાન આવી તો એ મહિલાને પકડી ત્યારબાદ શાંત પડી હોવાનું શ્રમિક મહિલાએ જણાવ્યું હતું.