સુરેન્દ્રનગરમાં જોરાવરનગરના મેઇન ચોકની બાજુમાં રહેતા અને ધોબીકામ કરતા પરિવારના યુવાન પુત્ર અને તેની પત્નીને છરીના ઘા ઝીકી હુમલો કરવાનો બનાવ બતા ચકચાર ફેલાઇ હતી. આ હુમલામાં પત્નીનું મોત થયું જ્યારે જીવન મરણ વચ્ચે જોલાખાતા પતિને સારવાર માટે લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ભાડાના મકાનની તકરારમાં હત્યારો આ લોહિયાળ ખેલ ખેલીને ભાગી ગયો હતો. આરોપી નહીં પકડાય ત્યા સુધી મૃતક મહિલાની લાશ નહી સ્વીકારવાનો પરિવરજનોએ નિર્ણય લીધો.જોરાવરનગરમાં બનેલા હત્યાના બનાવ અંગે મળતી વિગતો મુજબ ધોબી પરિવારના હર્ષીલભાઇ કિર્તીભાઇ પરમાર ખાનગી ઓફિસમાં નોકરી કરવાની સાથે પત્ની જ્યોતીબેન સાથે મળીને લોકોના કપડા ઇસ્ત્રી કરવાનો વ્યવસાય કરતા હતા. તેમનું પોતાનું જૂનું મકાન જોરાવરનગર મેળના ચોકની બાજુમાં અંદરની ગલ્લીમાં આવેલું છે. આ મકાનમાં તેમની સાથે અન્ય 5 જેટલા વર્ષો જૂના ભાડુઆત પણ રહે છે.પહેલા બધાય એક પરિવારની જેમ રહેતા હતા.આ મકાન હર્ષીલભાઇના પિતાએ મૂળ માલિક પાસેથી ખરીદી લીધા બાદ પૈસાની બાબતને લઇને બધાય વચ્ચે તકરારો થવા લાગી હતી. જેને લઇને ઘણા સમયથી સામાન્ય બોલાચાલી થવાના બનાવો બનતા હતા. શિતળા સાતમના દિવસે આરોપી અનીલ કુબેરભાઇ ચૌહાણ છરી સાથે મકાનની ખંચાળી પાસેના બારણાથી દૂકાનમાં ઘૂસ્યો અને ઇસ્ત્રી કરતા પતિ અને પત્નીને છરીના ઘા ઝીકી દીધા હતા.બાદમાં અનીલ ભાગી ગયો હતો.પતિ અને પત્નીને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામા આવતા ડોક્ટરોએ જ્યોતીબેનને મૃત જાહેર કર્યા હતા. જયારે હર્ષીલભાઇની હાલત નાજુક જણાતા સાંજના સમયે ડોક્ટરોને તેમનું ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યોતીબેનને છાતીના ભાગે કરેલા બે ઉંડા ઘા જીવલેણ સાબિત થયા હતા. બનાવની જાણ થતા જ્યોતીબેનના મામા મુકેશભાઇ કેશવલાલ ચૌહાણ સહિતના પરિવારના લોકો દોડી આવ્યા હતા. અને જ્યાં સુધી આરોપીને પકડવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય લેતા ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે.