મોબાઈલ ફોનમાં વાત કરતાં કરતાં જરીના કટર મશીનમાં કામ કરતા યુવકને લાપરવાહી મોંઘી પડી હતી. યુવક ફોનમાં વાત કરતાં કરતાં મશીનમાં પટકાયા બાદ સાપ્ટિનમાં ફસાઈને ગોળ ગોળ ફરવા લાગ્યો હતો, જેથી સાથી કામદારોને ધ્યાનમાં આવતાં તેમણે મશીન બંધ કરીને યુવકને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તેને ગંભીર ઈજાઓ ન હોવાથી સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.
જોકે યુવક સાથે સર્જાયેલી દુર્ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.ભાઠેનામાં આવેલી એક પ્લાસ્ટિક જરીની ફેકટરીમાં યુવક મોબાઈલ પર વાત કરતાં કરતાં કામ કરતી વખતે અચાનક મશીનની સાપ્ટિનમાં લપટાઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટનાના CCTV આવતાં ચર્ચાનો વિષય બન્યો છે. માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલો યુવક પ્લાસ્ટિક જરીની સીટના કટર મશીન પર કામ કરી રહ્યો હતો. જોકે ઘટના બાદ સાથી મિત્રોએ દોડીને મશીન બંધ કરી સમયસૂચકતાને ધ્યાનમાં રાખી યુવકને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવતાં જીવ બચી ગયો હતો.સંજય પટેલ (કારખાનેદાર)એ જણાવ્યું હતું કે ઘટના 12મીએ બની હતી.
30 વર્ષીય કીર્તિ ઈશ્વરભાઈ વાળંદ મશીન પર કામ કરી રહ્યો હતો. અચાનક કોઈનો ફોન આવતાં ભાન ભૂલેલા કીર્તિએ ફોન પર વાત કરતાં કરતાં કામ કરવા જતાં સાપ્ટિન મશીનમાં લપટાઈ ગયો હતો. ગોળ ગોળ ફરવા લાગતાં સાથી કારીગરો દોડીને મશીન બંધ કરી દેતાં તેને બચાવ્યો હતો. ઇજાગ્રસ્ત કીર્તિને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ ગયા હતા. કીર્તિનો એક ભાઈ છે, જેને ઘટનાની જાણ કરાતાં તે સિવિલ આવ્યો હતો. કોઈ ગંભીર ઇજા ન હોવાથી કીર્તિ રજા લઈ વતન જંબુસર તેના ગામ ચાલ્યો ગયો હતો