વેરાવળમાં રહેતી 39 વર્ષની વિધવા જેને મામા કહેતી હતી તે રાજકોટના પોલીસ જમાદારે લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષમાં અનેક વખત વિધવા પર દુષ્કર્મ આચરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે નિવૃત્ત જમાદાર સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી. વેરાવળમાં રહેતી 39 વર્ષની વિધવાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિવૃત્ત જમાદાર ગાંધીગ્રામના મોચીનગરમાં રહેતા દેવશી મેઘજી પરમારનું નામ આપ્યું હતું.વિધવાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2001માં ચોટીલા થયા હતા અને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર અને ત્રણ પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. પતિનું અકસ્માતે દાઝી જવાથી મૃત્યુ થયા બાદ શાપરમાં પોતાના સંતાનો સાથે માતાના ઘરે રહેવા આવી ગઇ હતી. અને ત્યારબાદ માતા પુત્રી સહિતનો પરિવાર રાજકોટમાં લક્ષ્મીના ઢોરે કટારિયા શો-રૂમની સામે રહેતા હતા. નિવૃત્ત જમાદાર દેવશી પરમારને વિધવાની વિકલાંગ માતા ભાઇ કહેતી હતી અને તે અવારનવાર ઘરે આવતો હતો, વિધવા પણ નિવૃત્ત પોલીસમેનને મામા કહેતી હતી, અને તે આર્થિક મદદ પણ કરતો હતો, જેથી થોડા સમય બાદ બંને વચ્ચે મનમેળ થતાં વિધવા અને નિવૃત્ત પોલીસકર્મી વાતચીત કરવા લાગ્યા હતા.પોતાની જાળમાં ફસાવ્યા બાદ દેવશી પરમારે વિધવાને પોતે પોતાના પરિવારના સભ્યોને છોડીને લગ્ન કરી લેશે તેવી વાત કરી વિધવા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા, એટલું જ નહીં તારું અને તારા બાળકોનું ભરણપોષણ કરીશ અને લગ્નની લાલચ આપી ટીટોળિયાપરામાં ભાડાનું મકાન અપાવી વિધવા સાથે ત્રણ મહિના રહ્યો હતો અને એક દિવસ અચાનક જ જતા રહેતા વિધવા તેના સંતાનો સાથે શાપર રહેવા જતી રહી હતી.
ગત તા.13 જૂનના વિધવા શાપરમાં ઘરે હતી ત્યારે ફરીથી દેવશી ત્યાં ધસી ગયો હતો અને વિધવાને ગાળો ભાંડી બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને કંઇક લખાણ કરેલા દસ્તાવેજ લઇને ગયો હતો અને તેમાં વિધવાની સહી પણ કરાવી હતી. દુષ્કર્મ આચરી ત્યાંથી જતો રહ્યો હતો. દેવશીના સંતાનોને ત્યાં પણ સંતાન છે છતાં દેવશીએ વિધવાને જાળમાં ફસાવી એક વર્ષ સુધી તેની સાથે શરીર સંબંધ બાંધ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી.