ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ હતી. ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.ઘટનામાં માતાનો બચાવ થયો હતો.
પાલિતાણા શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં અને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બંને બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન નાળામાં એક્ટિવા તણાયું હતું, એમાં ત્રણેય લોકો તણાયાં હતાં. જોકે માતા મીનાબેનનો બચાવ થયો છે, જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.કલાકોની જહેમત બાદ બાળકોના મૃતદેહો મળ્યા હતા.
આ ઘટનાને લઈ તાત્કાલિક પાલિતાણા નગરપાલિકાની ફાયરબિગ્રેડને જાણ કરાતાં તેણે ઘટનાસ્થળે પહોંચી તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી. એમાંથી બંને તણાયેલાં બાળકોની લાશ કલાકોની જહેમત બાદ મળી હતી. મરણ પામનારાં- જેઠવા કિરણ રાજુભાઈ (ઉં.મ.12) તથા જેઠવા વિનય રાજુભાઈ (ઉં.મ.18)ના મૃતદેહો મળ્યા હતા. ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા ઊમટી પડ્યાં હતાં. આ ઘટનાને લઈ પાલિતાણામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ ઘટનાને જરૂરી કેસ-કાગળો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.