સિંહ દીપડા જેવા જંગલી પ્રાણીઓએ અમરેલી પંથકમા હાહાકાર મચાવ્યો છે અને માત્ર 25 દિવસના ટુંકાગાળામા સિંહ દીપડાએ ચાર લોકોને ફાડી ખાતા ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે. વાડી ખેતરોમા પાક લહેરાઇ રહ્યો છે ત્યારે ખેડૂતો અને ખેતમજુરોને તેના રક્ષણ માટે સીમમા રાતવાસો કરવો પડે છે. પરંતુ સિંહ દીપડા જેવા જંગલી પ્રાણીઓનો આતંક ખેડૂતોને ફફડાવી રહ્યો છે.
આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો પરપ્રાંતિય લોકોને ખેતી ભાગવી વાવવા આપે છે. કોરોના કાળમા પાછલા બે વર્ષ દરમિયાન પરપ્રાંતિય મજુરોની સંખ્યા મર્યાદિત રહી હતી. પરંતુ આ વર્ષે મોટી સંખ્યામા પરપ્રાંતિય મજુરો ખેતી ક્ષેત્રમા રોકાયા છે. બીજી તરફ છેલ્લા બે વર્ષ દરમિયાન સિંહ અને દીપડાની સંખ્યા પણ ખાસ્સી વધી છે જેના પગલે ચાલુ સાલે વન્યપ્રાણીના હિંસક હુમલાની ઘટના વધુ જોવા મળી રહી છે. સિંહ દીપડાના હુમલાની સૌથી વધુ ઘટના ગીરકાંઠામા બની છે.ધારીના જીરામા એક પખવાડીયાના ગાળામા માનવભક્ષી દીપડાએ બે બાળકીનો ભોગ લીધો છે. પ્રથમ વખત હુમલો થયો ત્યારે જ માનવભક્ષી દીપડાને પકડવા યોગ્ય પ્રયાસો વનતંત્રએ ન કર્યા. જે ભુલના કારણે આજે બીજી બાળકીનો ભોગ લેવાયો હતો. એક જ દીપડાએ બંને બાળકીને માર્યાની શંકા સેવાઇ રહી છે. આવી જ રીતે જાબાળમા પણ ખેતમજુર વૃધ્ધા દીપડાના હુમલાનો ભોગ બની હતી અને ખાંભાના નાની ધારીમા પણ સિંહ યુગલના હુમલાનો ભોગ એક ખેતમજુર યુવાન બન્યો હતો. ખેતીની આ સિઝનમા વનતંત્રએ અસરકારક પગલા ભરવાની જરૂર છે.ચારમાથી ત્રણ લોકોનેા શિકાર દીપડાએ કર્યો છે અને દરેક વખતે સુતેલા લોકોમાથી સૌથી નબળી વ્યકિત પસંદ કરી હતી. જાબાળમા યુવા પુત્રી અને વૃધ્ધ માતા પૈકી દીપડાએ વૃધ્ધ માતાને શિકાર બનાવી હતી. જયારે જીરામા માતાના પડખામા સુતેલી દોઢ વર્ષની પુત્રી અને બાદમા આજે માતાના પડખામા સુતેલી ત્રણ વર્ષની પુત્રીને શિકાર બનાવ્યો હતો.