18 વર્ષના લગ્નજીવન બાદ છૂટું પડેલું દંપતી હવે 16 વર્ષની દીકરીની કસ્ટડી માટે કોર્ટમાં કાનૂની લડત લડી રહ્યું છે. હાઇકોર્ટે કોરોનાને લીધે વચગાળાની સગવડ માટે પિતાને દીકરીને મળવાના અધિકારને નિયત્રિંત કરી દીધા હતા. કોવિડને લીધે પિતાને દીકરી સાથે રૂબરૂ મળવાને બદલે વ્હોટ્સએપ અને વિડિયો-કોલથી મળવાની છૂટ આપી હતી. લૉકડાઉન દરમિયાન દીકરી સાથે વિડિયો-કોલ પર વાત કરતી વખતે પિતાએ તેની પત્નીના રૂમમાંથી અજાણ્યા પુરુષને બહાર નીકળતો જોયો હતો. આ વ્યક્તિ કોણ છે એ અંગે 3 વખત પૂછયું હતું, પરંતુ જવાબ મળ્યો નહોતો. છેવટે દીકરીએ ભાંડો ફોડયો હતો અને કહ્યું હતું કે ડેડી તમારી ગેરહાજરીમાં મમ્મીને મળવા અંકલ આવે છે.
ગોવાના ક્રિશ્ચિયન યુવકના વર્ષ 2001માં વડોદરાની યુવતી સાથે લગ્ન થયાં હતાં. લગ્ન કરીને યુવતી ગોવામાં સ્થિર થઇ હતી. લગ્નજીવનમાં તેમને એક દીકરીનો જન્મ થયો હતો. તેના જન્મ બાદ બન્ને વચ્ચે ઝઘડા વધી ગયા હતા અને છૂટા પડવાનો નિર્ણય લીધો હતો.
છેવટે 6 વર્ષની રિયાને લઇને તેની માતા મેબલ એન્થોની વડોદરા પિયર રહેવા આવી ગઇ હતી. 5 વર્ષ પછી બન્નેના ડિવોર્સ થઇ ગયા હતા, પરંતુ દીકરીની કસ્ટડી મામલે છેલ્લાં 10 વર્ષની કાનૂની લડાઇ ચાલી રહી છે. રિયા અત્યારે 16 વર્ષની થઇ ગઇ છે. (પાત્રોના નામ બદલ્યા છે)
કોરોનાના લીધે હાઇકોર્ટે ગેબ્રીઅલને રૂબરૂને બદલે વ્હોટ્સએપ અથવા વિડિયો-કોલથી રિયાને મળવા નિર્દેશ કર્યો છે. અઠવાડિયે 3 દિવસ 15 મિનિટ માટે વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગેબ્રીઅલ રિયાને વિડિયો-કોલ કરતો હતો. દરમિયાન પાછળ મેબલના બેડરૂમમાંથી અજાણ્યો પુરુષ નીકળ્યો હતો. આવી ઘટના 3 વખત બનતાં ગેબ્રીઅલે કોર્ટને જાણ કરી હતી કે દીકરી અજાણી વ્યકિતની હાજરીમાં વાત કરતા ડરે છે, એથી એકાંતમાં દીકરીને મળવા દેવા મંજૂરી મળે. મેબલ તેની પાસેથી ભરણપોષણ મેળવી રહી છે, પરંતુ જો વ્યભિચારી હોય તો તે ભરણપોષણ ચૂકવશે નહીં તેવી પણ રજૂઆત કરી છે.ગેબ્રીયલ અન્થોની મૂળ ગોવા રહે છે. તેની પત્ની મેબલ અન્થોની વડોદરામાં પુત્રી સાથે રહે છે. હાઇકોર્ટના મીડીએશન સેન્ટરમાં પણ જયારે ગેબ્રીયલ અન્થોની તેની પુત્રીને મળતો ત્યારે તેની સાથે ત્રાહિત અજાણ્યો પુરુષ હાજર રહેતો હતો અને તેને જોઇને રીયા વાત કરતા ડરતી હતી. આ અંગે ગેબ્રીયલે કોર્ટમા રજૂઆત કરી છે.