ગ્રામ્ય વિસ્તારોમાં વરરાજાનું ફુલેકું કાઢવામાં આવે છે ફૂલેકાને વરઘોડો પણ કહેવામાં આવે છે. ત્યારે વરઘોડામાં ઘોડાને ડીજેના તાલે નચાવવામાં પણ આવે છે અને આ સમયે ઘણી વખત અજુગતી ઘટનાઓ પણ બની જતી હોય છે. જેમ કે પાટણ જિલ્લામાં હારીજ તાલુકામાં એક ચાલુ વરઘોડામાંથી ઘોડો વરરાજાને લઈને ભાગી ગયો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે .
પ્રાથમિક વિગતો અનુસાર, પાટણના રોડા ગામમાં વરરાજાનો વરઘોડો નિકળ્યો હતો. વરરાજા ઘોડા પર સવાર હતા. અને જાનૈયાઓ સંગીતના તાલે ડાન્સ કરી રહ્યા હતા. દરમિયાન તાનમાં આવેલા લોકોએ ઘોડાને ખાટલા પર ઉભી કરીને નચાવવામાં આવી હતી.
જોકે, ત્યાર બાદ ઘોડો રોષે ભરાયો હોવાનું ધ્યાને આવતા તમામ લોકોએ તેને પકડી રાખ્યો હતો. પકડ ઢીલી થતા જ ઘોડો વરરાજાને લઇને ભાગી છુટ્યો હતો. આ દ્રશ્યો વરઘોડામાં હાજર કોઇ વ્યક્તિએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા. હાલ આ વિડીયો વાઇરલ થઇ રહ્યો છે.