ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના ગોંડલમાં બની જ્યાં રખડતાં આખલાને પ્રૌઢે લાડકી ફટકારતા આખલો ઉશ્કેરાયો હતો અને શીંગડા ભરાવી પ્રૌઢને અડફેટે લીધા હતા.
આ સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હતો. આ ઘટનાને પગલે પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઉપરાંત પરિવારજનો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એ દિવસે આખલાએ અન્ય 4 લોકોને અડફેટે લીધા હતા.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવર્સીટી રોડ પર આવેલ જલારામ સોસાયટીમાં મહાલક્ષ્મીનગર શેરી નં 1માં રહેતા અશિષભાઈ આરદેસણાના દાદા ગોપાલભાઈ આરદેસણાનું સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે તેમના પૌત્ર અશિષભાઈ આરદેસણાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગત તા.3 સપ્ટેમ્બરના રોજ ગોંડલમાં તેમના દાદાના સંબંધીના ઘરે ગયા હતા. જ્યાં મોટી બજારમાં દેવશીબાપાની શેરીમાં અચાનક આખલો આવી જતા ગોપાલભાઈ દ્વારા આખલાને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યાં લાડકી ફટકારતા આખલા ઉશ્કેરાયો હતો અને શિંગડા ભરાવી ગોપાલભાઈને પછાડ્યા હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ બનાવ બાદ તુરંત ગોપાલભાઈને ગોંડલથી રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ગોંડલમાં આજ વિસ્તારમાં એક જ દિવસમાં 4 લોકોને ખૂંટિયાએ અડફેટે લીધા હતા. રખડતા ઢોર અને શ્વાનનો આંતક અવાર નવાર સામે આવે છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ આ મામલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.