Ahmedabad Rain - ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત વિવિધ જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં ભારે વરસાદ નોંધાયો છે.
તો ગુજરાતના સ્થાનિક મીડિયા અનુસાર, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાનાં દૃશ્યો પણ જોવાં મળી રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ શહેર, બાવળા, દેત્રોજ, ધંધૂકા, ધોળકા, માંડલ, સાણંદ અને વીરમગામમાં પણ વરસાદ નોંધાયો છે.
વરસાદને કારણે અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને રસ્તામાં અનેક વાહનો પણ અટવાયાં હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય અરવલ્લી, નવસારી, નર્મદા, ડાંગ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ વિવિધ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે પાંચ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે.
ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના શાપુર ગામમાં પણ ભારે વરસાદ પડ્યો છે અને ગામના રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. તો માણાવદરમાં ભારે વરસાદને લીધે ધૂંધવી નદીમાં પૂર આવ્યું છે અને તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે.
ગુરુવારે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના કેટલાક વિસ્તાર, ભાવનગરના કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
હજુ ક્યાં પડશે વરસાદ?
શુક્રવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અને અલગઅલગ જગ્યાએ હાલ વરસાદ પણ વરસી રહ્યો છે. અલગ-અલગ વિસ્તારમાં વરસાદનું જોર વધુ કે ઓછું નોંધાઈ શકે છે.
વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદામાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.
ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, ખેડા અને આણંદ જિલ્લામાં વરસાદ નોંધાયો છે.
મોરબીમાં પણ હવે વરસાદ શરૂ થઈ ગયો છે અને આવનારા દિવસોમાં ત્યાં વરસાદ સારો નોંધાય તેવી શક્યતા છે.
જ્યારે પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરાના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ એટલે કે સાયક્લોન સર્ક્યુલેશન બનેલું છે જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અને આવાનારા ત્રણથી પાંચ દિવસ પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.
જ્યારે બીજી બાજુ લો પ્રેશર વિસ્તાર જે મધ્ય પ્રદેશના ઉત્તરમાં હાલ છે, તે રાજસ્થાન તરફ ખસે તેવી સંભાવના છે. જેના લીધે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં શુક્રવારે વરસાદ વધે તેવી સંભાવના છે.
પહેલાં ઉત્તર ગુજરાતમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે. જ્યારે અરવલ્લીથી લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ વરસાદ વધુ માત્રામાં પડવાની સંભાવના યથાવત રહેશે.
જોકે પાંચ જુલાઈ પછી પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસતો રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 6 જુલાઈથી લઈને 12 જુલાઈ સુધી ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ વરસે તેવી શક્યતા છે.