Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાયલી ગેંગરેપ કેસ સુનાવણી : 5 આરોપીઓ દોષિત; સરકાર પક્ષે ફાંસી અથવા આજીવન કેદની કરી માગ

high court
ભાયલી ગેંગરેપ કેસ: દોષિતોની સજા અંગે કોર્ટમાં કાનૂની દલીલો પૂર્ણ વડોદરાના ચકચારી ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં 20મી ઓગસ્ટે પોક્સો (POCSO) કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ આજે સજાની ગંભીર દલીલો પૂર્ણ થઈ છે. ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈના જણાવ્યા અનુસાર, સરકાર પક્ષ તરફથી કાયદાની જોગવાઈઓ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને મહત્તમ સજા એટલે કે ફાંસી અથવા તો ફાંસી ન મળે તો જીંદગીના અંંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારવા મજબૂત રજૂઆત કરવામાં આવી છે.

નવરાત્રિની રાત્રે આચરાયેલું નિર્દયી કૃત્ય 

 
આ કરૂણ ઘટના 4 ઓક્ટોબર, 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતે બની હતી. 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમીને ભાયલીના એક નિર્જન વિસ્તારમાં બેઠી હતી, ત્યારે બે બાઇક પર 5 અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ શરૂઆતમાં વાહનની ચાવી છીનવી લીધી હતી અને પિતાને ફોન કરી બોલાવી લેવાની ધમકી આપી ડર બતાવ્યો હતો, જે બાદમાં એક ભયાનક અપરાધમાં ફેરવાઈ ગયો હતો.
 

આરોપીઓની ભૂમિકા અને ગેંગરેપની ઘટના 

 
ઘટનાની શરૂઆતમાં સગીરાએ મદદ માટે બૂમો પાડતાં બે આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા, પરંતુ તેમણે તે પહેલાં શારીરિક છેડછાડ કરી હતી. ત્યારબાદ બાકીના ત્રણ આરોપીઓએ સગીરાના મિત્રને પકડી રાખીને વિરોધ કરવાનો મોકો ન આપ્યો અને સગીરા પર બર્બરતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ડરેલા સગીરા અને તેના મિત્રએ તાત્કાલિક નજીકના તાલુકા પોલીસ સ્ટેશન પહોંચીને આપવીતી વર્ણવી હતી.
 

મજબૂત સાંયોગિક પુરાવા અને કોર્ટની માન્યતા 

 
સરકારી વકીલ નયન સુખડવાલાના જણાવ્યા મુજબ, પ્રોસિક્યુશન અને પોલીસે મળીને કેસની દરેકે દરેક સાંયોગિક કડી શંકારહિત રીતે પૂરવાર કરી છે. આરોપીઓએ ગુનો આચર્યા બાદ પુરાવાનો નાશ કરવા સગીરાનો લૂંટેલો ફોન વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. ફાયર બ્રિગેડ દ્વારા ફોન શોધવાની કામગીરી, જુબાનીઓ અને મેડિકલ પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે.

ચુકાદા પર સૌની નજર 

આ કેસમાં કોર્ટે લૂંટ અને પુરાવાનો નાશ કરવા સહિતના તમામ આક્ષેપોને માન્ય રાખ્યા છે. પ્રોસિક્યુશન પક્ષે કડકમાં કડક દાખલારૂપ સજાની માંગ કરી હોવાથી હવે પોક્સો કોર્ટ આરોપીઓને ફાંસી આપે છે કે અંતિમ શ્વાસ સુધીની કેદ, તે સજાના આખરી એલાન પર સૌની નજર ટકેલી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું ઊંઘની કમીથી વધી શકે છે હાઈપરટેન્શન નો ખતરો ? જાણો શું કહે છે ડોક્ટર