Publish Date: Tue, 21 Apr 2026 (16:03 IST)
Updated Date: Wed, 22 Apr 2026 (18:03 IST)
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આયોજિત એક ચૂંટણી સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 'ઝાડુવાળા' દિલ્હીથી હવાલા મારફતે 20 કરોડ રૂપિયા લાવ્યા છે, જેનો ઉપયોગ ગામડાઓમાં અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. સંઘવીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ નાણાંનો ઉપયોગ લોકોને 100-100 રૂપિયા વહેંચવા માટે થઈ રહ્યો છે.
'આપિયા-પાપિયા' અને કોંગ્રેસથી સાવધ રહેવા અપીલ
પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ મતદારોને ભાવુક અને આક્રમક અપીલ કરતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને કોઈએ ભૂલથી પણ પોતાના ગામમાં પ્રવેશવા દેવા જોઈએ નહીં. તેમણે નર્મદા જિલ્લામાં પણ મોટા પાયે નાણાંની હેરફેર થઈ હોવાનો દાવો કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં મતદારોને વિપક્ષોની લોભામણી જાહેરાતો કે નાણાંથી પ્રભાવિત ન થવા ચેતવણી આપી હતી.
ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ
બીજી તરફ, ગીર સોમનાથમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે વિધાનસભામાં વિમલ ચુડાસમા આ વિસ્તારના પ્રશ્નો ઉઠાવવાને બદલે મૌન રહે છે અને વિસ્તારમાં જે પણ વિકાસ કાર્યો થાય છે તે માત્ર ભાજપના નેતાઓના પ્રયાસોથી જ થાય છે. આ પ્રહારને કારણે વેરાવળ પંથકમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
વિમલ ચુડાસમાનો ભાજપને સીધો પડકાર
જગદીશ વિશ્વકર્માના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારને વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે લાઈવ પ્રસારણથી જ જનતાને ખબર પડશે કે કોણ લોકોના પ્રશ્નો ઉઠાવે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખે એક સીટ જીતવા માટે અહીં સુધી પ્રચારમાં આવવું પડે છે, તે જ તેમની (વિમલ ચુડાસમાની) લોકપ્રિયતા અને તાકાતનો પુરાવો છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો