આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં હરઘર તિરંગાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાહનને પગલે ગુજરાતને અને તેમાંય ખાસ કરીને સુરતના ટેક્સટાઈલ ટ્રેડને રૃા. ૪૦૦ કરોડથી વધુ રકમનો બિઝનેસ મળ્યો છે. એકલા સુરતમાં ૮ કરોડ જેટલા ધ્યવ બનાવવામાં આવ્યા છે. તેમ જ મંદીનો સામનો કરી રહેલાા પ્રોસેસ હાઉસોને પણ મોટો ધંધો મળ્યો છે. હર ઘર તિરંગા લહેરાવવા માટે ગુજરાતના પ્રોસેસ હાઉસમાંથી ૮૦ લાખથી ૧ કરોડ મીટર કાપડ પ્રોસેસ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં એક કરોડથી સવા કરોડ ધ્વજનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે અંદાજે ૪૦ કરોડથી વધુ ધ્વજ તૈયાર કરીને વિતરણ કરવાનું આયોજન કર્યું છે. પરિણામે એક જ મહિનામાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં અંદાજે ૧૦૦૦ કરોડથી વધુ રકમના ૧૨૦૦ કરોડના ટર્નઓવર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર ગુજરાત જ નહિ, દક્ષિણ ભારતના રાજ્યોમાં અને ઉત્તર ભારતના રાજ્યો અને જયપુરમાંથી પણ ૩૦ કરોડ જેટલા તિરંગા તૈયાર કરાવડાવ્યા છે.બહુધા ૨૦ બાય ૩૦ અને ૧૬ બાય ચોવીસ ઇંચની સાઈઝના તિરંગા બનાવવામાં આવ્યા છે. સુરત અને માલેગાંવમાંથી ગ્રે કાપડ ખરીદવામાં આવ્યું છે. પ્રોસેસિંગ સાથે સંકળાયેલા ઉત્તમભાઈ લુકક્ડે ૧ કરોડ મીટર ગ્રેનું પ્રોસેસનું કામ સત્વર કરાવી આપ્યું છે. સાટીન ગ્રે અને માઈક્રો ગ્રે તરીકે ઓળખાતા કાપડનો તિરંગો બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચ કરોડ મીટર કાપડનો વપરાશ થયો છે.બીજીતરફ રિલાયન્સ અને વેલસ્પન સહિતના મોટા કોર્પોરેટ હાઉસે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ખર્ચ પેટે તિરંગાના મેકિંગનો ખર્ચ સ્પોન્સર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારે નિશ્ચિત કરી આપેલી પોસ્ટ ઑફિસ સહિતની કેટલીક જગ્યાએથી રૃા. ૨૫થી ૩૦ના ભાવે રાષ્ટ્રધ્વજનું વેચાણ પણ થઈ રહ્યું છે. કોર્પોરેશને પણ ઔદ્યોગિક વસાહતોમાં મોટી સંખ્યામાં ધ્વજ મોકલ્યા છે. મિનિસ્ટ્રી ઓફ કલ્ચરે આ અંગે ચાર મહિના પૂર્વે એક બેઠક કરીને પ્રધાનમંત્રીના આયોજનના અમલની વાતો છેડી હતી. ત્યારબાદ બે માસ સુધી તેની પ્રક્રિયા ટલ્લે ચઢી ગઈ હતી. દોઢેક માસ પૂર્વે તેની ફરીથી ચર્ચા થઈ અને વીસેક દિવસ પહેલાથી તેના કામકાજ ચાલુ કરી દેવાયા હતા. તેના થકી હજારો શ્રમિકોને કામકાજ મળ્યા છે અને આવક પણ થઈ છે.