પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક ૫ટેલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટેનો સમય માગતા હવે કદાચ હાર્દિક ૫ણ આગામી લોકસભાની ચૂંટણીમાં ઝં૫લાવે તેવી અટકળો તેજ બની છે. જો કે આ મામલે સત્તાવાર રીતે કોઇ ફોડ ૫ડ્યો નથી. અત્યાર સુધી રાજકારણથી દૂર રહેવાની વાતો કરનાર પાસ કન્વીનર ૫ણ અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીના પંથે રાજકારણમાં ઝં૫લાવશે ! તેવી વહેતી થયેલી વાતોને લઇને રાજકીય ઉત્તેજના પ્રસરી ગઇ છે. આગામી સપ્તાહમાં હાર્દિક પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરે તેવી શક્યતા છે. હાર્દિક પટેલે રાહુલ ગાંધીને મળવા માટે સમય પણ માંગ્યો છે. સૂત્રો કહે છે કે, હાર્દિક પટેલ પણ હવે અનામત આંદોલનકારી નહી પણ રાજકારણી બનવા તત્પર છે. હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે પરિણામે તે રાહુલ ગાંધીને મળવા માંગે છે. જો કોંગ્રેસ ટિકિટ આપે તો,આગામી લોકસભાની ચૂંટણી તે લડી શકે છે. હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી વખતે પણ પાસના કેટલાંક હોદ્દેદારોને ટિકિટ અપાવીને ધારાસભ્ય બનાવ્યા છે. હવે તે ખુદ પણ સાંસદ સભ્ય બનવા ઇચ્છુક છે કે પછી અન્ય પાટીદારોને ટિકિટ અપાવવા લોબિંગ કરી રહ્યો છે તે સમય જ કહેશે. કોંગ્રેસ પણ એક પાટીદાર યુવા આંદોલનકારીને ટિકીટ આપીને રાષ્ટ્રીય કક્ષાની રાજનિતીમાં પ્રવેશ અપાવી નવા સમીકરણને અંજામ આપવાની ગણતરીમાં છે. વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરતાં આ વખતે ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો ભાજપ જીતી શકે તેમ નથી. પરિણામે લોકસભાની દસેક બેઠકો કોંગ્રેસને ફાળે જઇ શકે છે. તે જોતાં લોકસભાની ટિકિટ મેળવવા પણ અત્યારથી લોબિંગ થઇ રહ્યુ છે.