આજે શનિવારે હનુમાન જયંતિ છે. પવનસુત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ હનુમાનજી મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડી છે. અમદાવાદથી સાળંગપુર જવાના માર્ગ પર ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે.
આજના પાવન દિવસે આસ્થાના પ્રતિક સમા બોટાદ સાળંગપુર મંદિર ખાતે હનુમાન જયંતિને લઇને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, સાળંગપુર હનુમાન મંદિરે 10 લાખથી વધુ ભક્તો દાદાનાં દર્શન કરવા આવ્યા છે. આજના દિવસે મારુતિ યજ્ઞ પણ કરવામાં આવશે. વહેલી સવારથી જ પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું છે.
મહત્વનું છે કે, આજે હનુમાન જયંતિ હોવાના કારણે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે પીળા રંગનો સાફો પહેરાવવામાં આવ્યો છે. ભક્તો દાદાના દર્શન કરવા માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો પણ તાજેતરમાં સામે આવ્યા છે. જોકે, દાદાની દિવ્ય મુરતના દર્શન કરીને ભક્તો ભાવવિભોર પણ બન્યા છે. હનુમાનજીના જન્મોત્સવને લઇને સમગ્ર મંદિરમાં ખાસ સજાવટ કરવામાં આવી હતી. આજના ખાસ દિવસે તંત્રએ પણ ખાસ તૈયારીઓ પહેલા જ કરી રાખી છે. વહેલી સવારે 5:15 કલાકે મંગળા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદાના જન્મોત્સવ નિમિત્તે 151 કિલોની કેપ પણ કાપવામાં આવી હતી.
અહીં આવતા ભાવિ ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે રહેવા-જમવા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરાઈ છે. બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ રહી છે. જેના દર્શનાર્થે દૂર દૂરથી ભક્તો અહીં આવી રહ્યા છે. અહીં મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિના સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યું. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. 1880ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા