વિશ્વમાં ફરીવાર વકરી રહેલા કોરોનાને લઈને ભારત સરકાર દ્વારા આજે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા આરોગ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. બીજી તરફ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ચર્ચા થઈ હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની ગાઈડલાઈન જણાવતાં કહ્યું હતું કે, ગુજરાતમાં એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત પણે થશે. તે ઉપરાંત એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ પણ કરાશે. હાલમાં ગુજરાતમાં એનઆરઆઈ લોકોની અવર જવર વધુ હોવાને કારણે એરપોર્ટ પર સરકારે નિયંત્રણો વધાર્યાં છે. તેમણે કહ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલમાં ભીડ ઓછી થાય અને માસ્કનું વિતરણ થાય તે માટે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી છે. બીજી તરફ પ્રમુખ સ્વામી નગરમાં પણ માસ્કનું વિતરણ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેવી અપીલ કરવામાં આવી છે.
સરકારે લોકોને પ્રિકોશન ડોઝ લઈ લેવા માટે અપીલ કરી છે. તે ઉપરાંત સરકાર ફરીવાર પ્રિકોશન ડોઝ માટે ડ્રાઈવ શરૂ કરશે. તે ઉપરાંત 27 ડિસેમ્બરે સરકારી હોસ્પિટલોમાં મોક ડ્રિલનું આયોજન કરાશે. ઓક્સિજન પ્લાન્ટ સહિતની વ્યવસ્થાની ચકાસણી કરાશે. તે ઉપરાંત ભીડ ભાડ વાળી જગ્યાઓ પર માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી છે. જયારે માસ્ક ફરજિયાત કરવાનો નિર્ણય સરકાર સાથેની સમીક્ષા બાદ કરવામાં આવશે.