ગુજરાત વિધાનસભામાં ગત શુક્રવારે અમરેલી જિલ્લાના દલિત સરપંચની હત્યા મામલે ચર્ચા ન કરાતા કોંગ્રેસ પક્ષ દ્વારા ગૃહત્યાગ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે આ જ મામલે જ્યારે ગૃહમાં ચર્ચા યોજવામાં આવી ત્યારે કોંગ્રેસના સભ્યોએ કોઈ જ પ્રકારની ચર્ચા ન કરતાં સાવ પાણીમાં બેસી ગયા હતા અને માત્ર 4-5 મીનીટમાં ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું. વિધાનસભાના નિયમ 116 હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ચર્ચા માંગી હતી.
ગત શુક્રવારે કોંગ્રેસના શક્તિસિંહે આ જ બાબતની ચર્ચાની માગણી કરી હતી જેને અધ્યક્ષ દ્વારા નકારવામાં આવતા કોંગ્રેસ દ્વારા ઉહાપોહ મચાવીને વોકઆઉટ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ જ મુદ્દે થનારી ચર્ચાને કારણે ગૃહમાં ગરમી અને ઘર્ષણ થાય તેવી પ્રબળ સંભાવનાઓ જોવાઈ રહી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા સંભવિત આક્રોશના બદલે માત્ર બે સભ્યો દ્વારા ફક્ત રજુઆત કરીને ચર્ચા પર જાણે કે પૂર્ણ વિરામ મુકી દીધું હતું. શૈલેષ પરમારે 116 હેઠળ વારે વારે દલિતોના પ્રશને રજુઆત ગૃહમાં કરવી પડે છે તેનો ખેદ વ્યક્ત કરાયો હતો. જ્યારે કડીના ધારાસભ્ય રમેશ ચાવડાએ રાજ્ય દ્વારા અલગ એટ્રોસીટી એક્ટ બનાવવામાં આવે તેવી માગણી કરાઈ હતી. જેના જવાબમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અલગ એટ્રોસીટી એક્ટ માટે કોઈ અવકાશ ન હોવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસ દ્વારા આ હત્યાને રાજકીય પરિપેક્ષમાં ન લેવાનું કહેતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના શાસનથી જ રાજ્યમાં દલિતોને શાંતિ છે રાજકીય મતમતાંતરને કારણે સરપંચની હત્યા થઈ હશે તો તે બાબતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એમ કહી ચર્ચાને આટોપી લીધી હતી