અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી PGની પરીક્ષા યોજવામાં આવી રહી છે. આ પરિક્ષા નહીં યોજવા માટે NSUIએ માંગણી કરી છે. અગાઉ 18મી માર્ચથી શરુ થતી પરિક્ષા પણ યુનિવર્સિટી દ્વારા મોકુફ રાખવામાં આવી હતી. NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે ગુજરાત સરકાર દ્વારા 10 એપ્રિલ સુધી કોઈ પણ પરિક્ષાના યોજવા માટે યુનિવર્સિટીને જાણ કરવામાં આવી છે. છતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી PGની પરીક્ષા લેવામાં આવશે. પરંતુ AMTS અને BRTS બંધ છે અને અનેક વિસ્તારો માઇક્રો કન્ટેન્મનેટ ઝોનમા આવે છે. જેથી એવા સંજોગોમાં વિદ્યાર્થીઓ કેવી રીતે પરિક્ષા કેન્દ્ર સુધી પહોચશે, વિદ્યાર્થીઓને કોરોના થશે તો કોણ જવાબદાર રહેશે. આ રજૂઆત સાથે NSUI એ આવતીકાલથી શરૂ થતી ગુજરાત યુનિવર્સિટી ની PGની પરીક્ષા રદ કરવા માંગણી કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં 18 માર્ચથી પ્રથમ સેમેસ્ટરના અલગ અલગ વિષયની પરીક્ષા યોજાઈ હતી. જે બાદ વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ અને પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને પડતી અગવડને લઈને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના કેસ વધતા શિક્ષણ મંત્રી દ્વારા પણ ઓફલાઈન શાળા કોલેજ પણ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાલથી અલગ અલગ 11 ક્ષેત્રની પરીક્ષા લેવામાં આવવાની છે.ગુજરાત યુનિવર્સિટીની MA, MSC, MMCJ, MDC, M.COM, MLW અને M.EDની પરીક્ષા યોજાવવાની છે.પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર જણાય વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બીજી તક આપવામાં આવશે. આવતીકાલથી શરૂ થતી પરીક્ષા ફરજિયાત ઓફલાઈન આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર પરીક્ષા આપી શકશે નહીં તેમને બીજી તક પણ આપવામાં આવશે. ગત વર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે માટે ઝડપથી યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવી રહી છે. કોરોના કેસ વધે તો ગત વર્ષની જેમ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ મોકૂફ રાખવી પડે જેના કારણે શૈક્ષણિક સત્ર પણ મોડું શરૂ થાય તેમ છે.