ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગોનો વિકાસ થશે ઉદ્યોગોના ઉત્સર્જનમાં 24 ટકા જેટલો ઘટાડો થતાં હવાનું શુદ્ધિકરણ થયું
2070 સુધીમાં ભારતને નેટ ઝિરો ઇમીશન્સ શૂન્ય ઉત્સર્જન સુધી પહોચાડવા દર્શાવેલી પ્રતિબદ્ધતામાં ગુજરાતે એક પહેલ રૂપ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચે આ અંગેના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.આના પરિણામે દેશભરમાં કાર્બન માર્કેટ સેટ અપ કરનારૂં પ્રથમ રાજ્ય ગુજરાત બનશે.
કાર્બન ઇમિશન્સ અંદાજે 1 બિલીયન ટન સુધી ઘટશે
વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2021માં ગ્લાસગોમાં યોજાયેલી યુ.એન. કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-26 માં ભારતને 2070 સુધીમાં નેટ ઝિરો ઇમીશન્સ તરફ લઇ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સંદર્ભમાં ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ફયુઅલ ઇલેકટ્રીસિટી કેપેસિટી સુધી પહોચવા પાંચ લક્ષ્યાંકો નિર્ધારીત કરેલા છે. કાર્બન ઇમિશન્સ અંદાજે 1 બિલીયન ટન સુધી ઘટાડવા માટે નવિનીકરણ ઊર્જા રિન્યુએબલ એનર્જી 50 ટકા ફાળો એનર્જી મિક્સમાં આપે છે.
ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગોનો વિકાસ થશે
ગુજરાત સરકારે હવે CO2 માર્કેટ શરૂ કરવા માટે પહેલરૂપ એવા આ MOU કર્યા છે.તેના પરિણામે, અત્યાધુનિક અને સમયાનુકુલ ગ્લોબલ કલાયમેટ પોલિસીમાં ગુજરાતને આગવું સ્થાન મળતું થશે અને ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગોનો વિકાસ થશે. ગુજરાતે સુરતમાં પાર્ટિકલ મેટર માટે વિશ્વની પ્રથમ ઉત્સર્જન ટ્રેડીંગ યોજના આ અંતર્ગતની એક પહેલ છે.
ઉદ્યોગોના ઉત્સર્જનમાં 24 ટકા જેટલો ઘટાડો
આ પ્રોજેક્ટ એક મોટા પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2019માં સુરત ખાતે વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંયુકત પણે શરૂ કરવામાં આવ્યો છે.સુરતની અંદાજે 350 જેટલી હાઇલી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેક્ટનો લાભ લઇ રહી છે અને ઉદ્યોગોના ઉત્સર્જનમાં 24 ટકા જેટલો ઘટાડો થતાં હવાનું શુદ્ધિકરણ થયું છે.હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અમદાવાદ, વાપી, વડોદરા અને ભરૂચમાં પણ પ્રોજેક્ટ વિસ્તરણ કરી રહ્યું છે.
નેટ ઝિરો ઇમીશન્સ નેશન બનાવવાની દિશામાં MOU
ગુજરાતે CO2 માર્કેટ સેટ અપ કરીને ભારતને નેટ ઝિરો ઇમીશન્સ નેશન બનાવવાની દિશામાં આજે MOU કર્યા છે.આ MOU પર ગુજરાત સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તા, કલાયમેટ ચેન્જના અગ્ર સચિવ હૈદર અને ઊર્જા અગ્ર સચિવ મમતા વર્મા એ હસ્તાક્ષર કર્યા હતા. યુનિવર્સિટી ઓફ શિકાગો વતી એસોસિયેટ ડાયરેકટર આલીયા ખાન અને જે-પાલ વતી એક્ઝિકયુટીવ ડિરેક્ટર શોભિની મૂખરજીએ હસ્તાક્ષર કર્યા હતા.