ઇતર પ્રવૃત્તિઓની ફી ના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂઆત કરાશે
ગાંધીનગર, રાજ્યની સ્વનિર્ભર શાળાઓમાંથી જે શાળાઓએ ફી નિયમન માટે સંબંધિત ફી નિયમન સમિતિ (એફ.આર.સી.) સમક્ષ હજી સુધી પોતાની શાળાના ફી નિયમન અંગેની દરખાસ્ત નથી કરી તેવી શાળાઓ અંગે આગામી સુનાવણી પહેલાં નામદાર સુપ્રિમ કોર્ટનું ધ્યાન દોરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
સુપ્રિમ કોર્ટમાં ફી નિયમન અંગે ચાલી રહેલા કેસની સુનાવણી થનાર છે ત્યારે આ સુનાવણીના સંદર્ભમાં રાજ્યની સ્વનિર્ભર શાળાઓના સંચાલકો અને વાલીમંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ વિભાગે નામદાર સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ ઇતર પ્રવૃત્તિની ફી અંગે તેમની રજૂઆતો સાંભળવા અને સર્વસંમત ફોર્મ્યુલા નક્કી કરવા બેઠક કરી હતી. તે બેઠકના અનુસંધાને ચર્ચાયેલા મુદા્ઓથી નામદાર સુપ્રિમ કોર્ટને માહિતગાર કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ એટર્ની જનરલ વેણુગોપાલ, સિનિયર એડવોકેટ સુંદરમ તથા એડીશનલ સોલિસીટર જનરલ તુષાર મહેતા સાથે નવી દિલ્હી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રીએ ખાસ કરીને શાળાઓ દ્વારા લેવાતી ઇતર પ્રવૃત્તિઓ અંગેની ફી અંગે ઉપરોક્ત મહાનુભાવોનું ધ્યાન દોરી વાલીઓ વતી રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ઇતર પ્રવૃત્તિ કોઇપણ વાલી કે વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ન હોવી જોઇએ અર્થાત વાલી કે વિદ્યાર્થી ઇચ્છે તો જ ઇતર પ્રવૃત્તિની પસંદગી કરે અને પસંદગી કરે તો જ ફી લેવામાં આવે અને તે ફીનું પણ ફી નિયમન સમિતિ (એફ.આર.સી.) વાજબીપણું નક્કી કરે તેવી નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવે. એટર્ની જનરલ સાથે શિક્ષણ મંત્રીએ શાળાઓ ફી સંબંધે કેટલા ટકા સરપ્લસ ફંડ રાખી શકે તે બાબતે પણ એટર્ની જનરલ અને એડીશનલ સોલિસીટર જનરલ સાથે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શાળા સંચાલકો અને વાલી મંડળના પ્રતિનિધીઓ સાથે ઇતર પ્રવૃત્તિઓની ફી સંબંધે તેઓની રજૂઆતો સાંભળવા બેઠક યોજી હતી. આ બેઠકોમાં ચર્ચાયેલા મુદા્ઓના તમામ પાસાઓથી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એટર્ની જનરલ વેણુગોપાલ, સિનિયર એડવોકેટ સુંદરમ તથા એડીશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાને માહિતગાર કર્યા હતા.