ગુજરાત સરકારની બેટી બચાવો બેટી પઢાવો યોજનાના નામે કરોડોનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદની પટેલ એન્ટર પ્રાઇઝ નામની સંસ્થા ખોલીને રમેશ પટેલે ૩૦૦૦ લોકો સાથે કરોડો રૃપિયાની છેતરપીડી કરી છે. જેમાં ગ્રાહકોને ૧૦ ટકા ડાઉન પેમેન્ટ ભરવાથી કાર આપીને બાકીના હપ્તા પોતે ભરશે તેવી લાલચ આપવામાં આવતી હતી અને પાંચ વર્ષ સુધી કાર પર સ્ટીકર લગાડીને ફેરવાની પણ જાહેરાત કરાઇ હતી. ગુજરાત સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ મહિલા અને બાળ કલ્યાણ વિકાસ દ્વારા ચાલતી બેટી બચાવો અને બેટી પઢાવો યોજનાના બહાને લોકો પાસેથી રૃપિયા પડાવીને ઠગાઇ કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. પોલીસે રમેશ મણીલાલ પટેલની કઠવાડા જીઆઇડીસી ચાર રસ્તા પાસે આદેશ્વર ગોલ્ડ કોમ્પલેક્ષમાં પટેલ એન્ટર પ્રાઇઝ કંપની રેઇડ કરી હતી. અને ગુનાને લગતા દસ્તાવેજ કબજે કર્યા હતા. આ સ્કીમ હેઠળ ૩૦૦૦ જેટલા ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત પોલીસ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. પોલીસ તપાસમાં સરકાર દ્વારા કોઇપણ ખાનગી સંસ્થાને બેટી બચાવો બેટી પઢાવોની જાહેરાતનું કામ સોપવામાં આવેલ ન હતું કોઇપણ સંસ્થા સાથે એમઓયુ થયેલું નથી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.