Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વંદિતા ધારિયાલ ઇંગ્લિશ ચેનલ પાર કરનારી ગુજરાતની પ્રથમ મહિલા સ્વિમર

વંદિતા ધારિયાલ ઇંગ્લિશ ચેનલ પાર કરનારી ગુજરાતની પ્રથમ મહિલા સ્વિમર
, બુધવાર, 10 જાન્યુઆરી 2018 (18:52 IST)
મેરેથોન સ્વિમિંગમાં ઈંગ્લિશ ચેનલ તરવાની સિદ્ધિ ભારતીયોમાં જાણીતી છે, પણ તે ઉપરાંત પણ અમેરિકામાં બે અન્ય એવી મેરેથોન તરણ ચેલેન્જીસ છે અને વંદિતા ધારિયાલનું હવે પછીનું લક્ષ્ય એ બન્ને – મેનહટન આઈલેન્ડ મેરેથોન અને કેટેલિના મેરેથોન પૂર્ણ કરવાનું છે. વંદિતાએ ઈંગ્લિશ ચેનલ પાર કરવાની સિદ્ધિ તો ગયા વર્ષે ઓગષ્ટમાં હાંસલ કરી લીધી અને તેની સિદ્ધિની વિશિષ્ટતા એ છે કે ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારી તે પ્રથમ ગુજરાતી યુવતી – મહિલા બની છે. વંદિતા ધારિયાલનો પરિવાર 40 વર્ષ કરતાં વધુ સમયથી અમદાવાદમાં સ્થાયી થયેલો છે અને એ નાતે તે ગુજરાતી નહીં હોવા છતાં પુરેપુરી ગુજરાતી યુવતી છે. ગુજરાત વતી તેણે ભારતમાં નેશનલ તરણ સ્પર્ધાઓમાં અનેક મેડલ્સ પ્રાપ્ત કર્યા છે તો ઈન્ટરનેશનલ્સમાં પણ ભારતીય સ્પર્ધક તરીકે સાઉથ એશિયન તરણ સ્પર્ધાઓમાં વંદિતાએ એક ગોલ્ડ અને બે સિલ્વર, એમ ત્રણ કુલ ત્રણ મેડલ્સ હાંસલ કર્યા છે.
આ ગુજરાતી યુવતીએ 20-21 વર્ષની વયે ઓગસ્ટ 2017માં ઈંગ્લિશ ચેનલ પાર કરવાની સિદ્ધિ હાંસલ કરી ત્યારે તેની સાથે રહેતી બોટમાં તેના માતા-પિતા પણ તેને પ્રોત્સાહન આપવા સાથે હતા. પરિવારમાં તેના પિતા અને કાકા પણ તરણ સહિતની રમત ગમતમાં સક્રિય હતા, તેથી વંદિતાને દેખિતી રીતે પરિવાર તરફથી પુરતું સમર્થન અને પ્રોત્સાહન મળ્યું છે, તો તેનો નાનો ભાઈ પણ નેશનલ લેવલ સુધી તો તરણમાં પહોંચી ચૂક્યો છે.  યોગાનુયોગ, વંદિતાએ ઈંગ્લિશ ચેનલ પાર કરી તે વખતે એ લંડનમાં સ્ટુન્ડ તરીકે હતી. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઓર્ગેનાઈઝેશનલ સાયકોલોજીનો એક વર્ષનો માસ્ટર્સનો અભ્યાસ તેણે તાજેતરમાં જ પૂર્ણ કર્યો છે. 13 કલાક 10 મિનિટમાં ઈંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ ગુજરાતી યુવતી બનેલી વંદિતાનું આ સિદ્ધિ બદલ ગયા મહિને જ અમદાવાદમાં બહુમાન કરાયું હતું.  2009માં વંદિતાએ રોમમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું અને ત્યારે 13 વર્ષની વયે વંદિતા એ સ્પર્ધાઓમાં સૌથી નાની વયની ભારતીય સ્પર્ધક બની હતી. તેની તરણમાં આવી અનેક સફળતા બદલ ગુજરાત સરકારના સરદાર પટેલ એવોર્ડ તેમજ એકલવ્ય એવોર્ડ ઉપરાંત 2012માં ગુજરાત સરકાર તરફથી સ્પેશિયલ સ્કોલરશિપ પણ તે મેળવી ચૂકી છે. વંદિતાએ જણાવ્યું હતું કે, હાલમાં મેનહટન મેરેથોન અને કેટેલિના મેરેથોન તેના મહત્ત્વના આગામી લક્ષ્યો છે. આ ત્રણે સ્પર્ધાઓ મેરેથોન સ્વિમિંગના ટ્રિપલ ક્રાઉન તરીકે ઓળખાય છે. મેરેથોન સ્વિમિંગમાં સ્વિમરની શારીરિક સજ્જતા અને ક્ષમતા તો મહત્ત્વના હોય જ છે, સાથે સાથે દરેક મેરેથોનના પડકારો થોડા અલગ હોય છે, એવું જણાવતા વંદિતાએ કહ્યું હતું કે, મેરેથોનની તૈયારીમાં ઠંડા પાણીમાં લાંબો સમય રહેવાનું હોય ત્યારે તેના માટે સ્વિમરને ખાસ ડાયેટ પણ લેવો પડે છે, જેથી હાર્ટ એટેકનો ભય ના રહે. ઈંગ્લિશ ચેનલ પાર કરતી વખતે 22 માઈલ (34 કિ.મી.)નું અંતર 10 થી 12 ડીગ્રી તાપમાન ધરાવતા, ગાત્રો ધ્રુજાવી દે તેવા ઠંડા પાણીમાં કાપી ચૂકેલી વંદિતા માટે મેનહટન મેરેથોન (28.5 માઈલ – લગભગ 46 કિ.મી.) વધુ મોટો પડકાર છે પણ તેને પોતાને તેમજ તેના કોચને વિશ્વાસ છે કે, તે આ પડકાર ઝીલવા અને પૂર્ણ કરવા સક્ષમ છે. મેરેથોન સ્વિમિંગમાં 10 કિ.મી.થી વધુના અંતરનું તરવાનું આવે છે. લંડનના અનુભવ વિષે વંદિતાએ જણાવ્યું હતું કે તેને ત્યાંનો માહોલ ખૂબજ ગમ્યો છે. તેનો એક વર્ષનો કોર્સ પુરો થઈ ગયો હોવાથી હાલ તો તે અમદાવાદ પાછી આવી ગઈ છે પણ બ્રિટનમાં નવા વીઝા નિયમો મુજબ તેને ફરી વર્ક વીઝા મળે તેવી શક્યતા ઉભી થઈ છે અને તે ફરી લંડન આવવાની તક મળે તો આવવા ઉત્સુક પણ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચિલોડા-ગાંધીનગર-સરખેજ હાઇવેને રૂ.૮૪૬ કરોડના ખર્ચે છ-માર્ગીય બનાવાશે : સંપૂર્ણ ટોલ ફ્રી રોડ - નિતિન પટેલ