સામાન્ય રીતે જોવા જઈએ તો ક્રિકેટ મેચ તથા લોકસભા કે વિધાનસભા જેવી ચૂંટણીઓમાં ભારે સટ્ટા ખેલાતા હોય છે ત્યારે ગુજરાતમાં કોણ જીતશે તેના પર 700 કરોડ રૂપિયાથી પણ વધારે રકમનો સટ્ટો ખેલાયો હોવાનું મીડિયા રીપોર્ટમાં જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર છેલ્લા સાત દિવસ દરમિયાન રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતના ચારેય ઉમેદવારના ભાવમાં સતત વધ-ઘટ જોવા મળી હતી.
સોમવારે મોડી રાત સુધી અમિત શાહના વિજય માટે ૫૦ પૈસાનો, અહેમદ પટેલના વિજય માટે ૧.૩૦નો, સ્મૃતિ ઇરાનીના વિજય માટે રૃ.૨નો જ્યારે બળવંતસિંહ રાજપૂતના વિજય માટે રૃ. ૩નો ભાવ ચાલી રહ્યો હતો. આ પછી મંગળવારે પરિણામ દરમિયાન ભાવમાં છેલ્લા સાત દિવસમાં જોવા મળી ન હોય તેવી ઉથલપાથલ જોવા મળી હતી. મોડી સાંજે કેટલા ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું, ઇલેક્શન કમિશન કોની પેરવીમાં ચુકાદો આપશે તેના માટે પણ સટ્ટો ખેલાયો હતો. જેના કારણે રાજ્યસભાની ચૂંટણી માટે સમગ્ર દેશમાંથી રૃ. ૭૦૦ કરોડથી વધુનો અભૂતપૂર્વ સટ્ટો ખેલાઇ ચૂક્યો હતો.